1

જેના પર હું સત્યમાં પ્રેમ રાખું છું, તે પ્રિય ગાયસ જોગ લખિતંગ વડીલ તરફથી કુશળતા:
મારા પ્રિય મિત્ર, હું જાણું છું તારો આત્મા કુશળ છે. તેથી હું પ્રાર્થના કરું છું કે તું બધી રીતે કુશળ રહે. અને હુ પ્રાર્થના કરું છું કે તું તંદુરસ્ત રહે.
કેટલાએક ખ્રિસ્તમાં ભાઈઓ આવ્યા અને તારા જીવનના સત્ય વિષે મને કહ્યું. તેઓએ મને કહ્યુ કે તું સત્યના માર્ગને અનુસરી રહ્યો છે. તેથી હું ઘણો ખુશ થયો.
જ્યારે હું સાંભળું છું કે મારાં બાળકો સત્યના માર્ગને અનુસરે છે ત્યારે મને હંમેશા સૌથી વધુ આનંદ થાય છે.
મારા પ્રિય મિત્ર, તું ખ્રિસ્તમાં ભાઈઓને માટે હા, પારકા ભાઈઓને માટે પણ, તું જે કંઈ કરે છે તે તું વિશ્વાસ કરનારને યોગ્ય કામ કરે છે. તુ જેને જાણતો નથી એવા ભાઈઓને પણ તું મદદ કરે છે.
આ ભાઈઓએ મંડળીને તારા પ્રેમ વિશે વાત કરી છે. કૃપા કરીને તેઓનો પ્રવાસ ચાલુ રાખવામાં તેઓને મદદ કર. દેવ પ્રસન્ન થાય તે રીતે તેઓને મદદ કર.
આ ભાઈઓ ખ્રિસ્તની સેવા કરવા માટે આજુબાજુ પ્રવાસ કરી રહ્યા છે. તેઓ જે લોકો વિશ્વાસીઓ નથી તેઓની કોઈ પણ પ્રકારની મદદનો સ્વીકાર કરતા નથી.
તેથી આપણે આ ભાઈઓને મદદ કરવી જોઈએ. જ્યારે આપણે તેઓને મદદ કરીએ છીએ, ત્યારે આપણે તેઓના સત્ય માટેના કાર્યમાં સહભાગી થઈએ છીએ.
જયારે હું આવીશ, ત્યારે હું દિયોત્રફેસ શું કરે છે તે વિશે કહીશ. તે જૂઠુ બોલે છે અને અમારા વિષે ભૂંડું બોલે છે. પરંતુ તે જે બધું કરે છે તે એટલું જ નથી! તે જે ભાઈઓ ખ્રિસ્તની સેવાનાં કામો કરે છે તેઓને મદદ કરવાની પણ ના પાડે છે. દિયોત્રફેસ પેલા લોકો જે ભાઈઓને મદદ કરવા ઈચ્છે છે તેઓને પણ અટકાવે છે. અને તે લોકોને મંડળીમાંથી બહિષ્કૃત કરે છે.
મારા પ્રિય મિત્ર, જે ખરાબ છે તેને અનુસરો નહિ; જે સારું છે તેને અનુસરો. જે વ્યક્તિ સારું છે તે કરે છે તે દેવથી છે. પણ જે વ્યક્તિ દુષ્ટ કાર્ય કરે છે તેણે કદી દેવને ઓળખ્યો નથી.
બધા લોકો દેમેત્રિયસ વિષે સારું બોલે છે. અને તેઓ જે કહે છે તે સાથે સત્ય સંમત થાય છે. આપણે પણ તેના માટે સારું કહીએ છીએ. અને તમે જાણો છો કે આપણે જે કહીએ છીએ તે સાચું છે.
મારી પાસે ઘણું છે જે મારે તમને કહેવું છે. પણ હું શાહી અને કલમનો ઉપયોગ કરવા ઈચ્છતો નથી.
હું જલ્દીથી તારી મુલાકાત લેવાની આશા રાખું છું. પછી આપણે સાથે મળીને વાતો કરી શકીશું.

License
CC-0
Link to license

Citation Suggestion for this Edition
TextGrid Repository (2025). John the Evangelist. 3 John (Gujarati). Multilingual Parallel Bible Corpus. https://hdl.handle.net/21.11113/0000-0016-9AFE-D