1

1દેવના દાસ તથા ઈસુ ખ્રિસ્તના પ્રેરિત પાઉલ તરફથી કુશળતા હો. દેવની પસંદગી પામેલા લોકોના વિશ્વાસને મદદરૂપ થઈ શકાય તે માટે અને એ લોકો સત્યને જાણી શકે તે માટે સહાય કરવા મને મોકલ્યો છે. અને તે સત્ય લોકોને બતાવે છે કે કેવી રીતે દેવની સેવા કરવી.
અનંતજીવનની આપણી આશામાંથી જ એ વિશ્વાસ અને જ્ઞાન જન્મે છે. સમયનો પ્રારંભ થયો તે પહેલા દેવે એ જીવનનું વચન આપ્યું હતું અને દેવ કદી જૂઠુ બોલી શકતો નથી.
યોગ્ય સમયે દેવે એવા જીવન વિષે જગતને જાણવા દીધું. દેવે સુવાર્તા દ્વારા દુનિયાને એ વાત જણાવી. એ કાર્ય માટે દેવે મારામાં વિશ્વાસ મૂક્યો. આપણા તારનાર દેવે મને આજ્ઞા આપી તેથી એ બધી બાબતોનો મેં ઉપદેશ કર્યો છે.
હવે હું તિતસને આ લખું છું કે જે વિશ્વાસના આપણે સહભાગી છીએ, તેમાં તું મારા સગા પુત્ર સમાન છે. દેવ જે પિતા તથા આપણા તારનાર ખ્રિસ્ત ઈસુ તરફથી તને કૃપા અને શાંતિ પ્રાપ્ત થાઓ.
તને ક્રીત ટાપુ પર એટલા માટે રાખ્યો છે કે ત્યાં જે કાર્યો કરવાની જરૂર છે, તે તું પરિપૂર્ણ કરી શકે અને મેં તને ત્યાં એટલા માટે પણ રાખ્યો છે કે જેથી કરીને દરેક નગરમાં માણસોની વડીલો તરીકે તું પસંદગી કરી શકે.
વડીલ થવા માટે એ વ્યક્તિ કોઈ પણ ખરાબ કામ માટે અપરાધી ઠરેલી ન હોવી જોઈએ. એ માણસને એક જ પત્ની હોવી જોઈએ. તેનાં બાળકો વિશ્વાસી હોવાં જોઈએ. તેનાં બાળકો ઉદ્ધત અને આજ્ઞાનું ઉલ્લંઘન કરનારાં હોવાં ન જોઈએ.
દેવના કાર્યની સંભાળ રાખવાનું કામ એ અધ્યક્ષનું છે. તેથી કોઈ પણ ખરાબ કાર્યનો તે ગુનેગાર હોવો ન જોઈએ. તે વ્યક્તિ એવી ન હોવી જોઈએ કે જે અભિમાની અને સ્વાર્થી હોય, અથવા તો જે વારંવાર ગુસ્સે થઈ જતી હોય. તેણે અતિશય મદ્યપાન ન કરવું જોઈએ. તે વ્યક્તિ એવી ન હોવી જોઈએ જેને ઝઘડા પસંદ હોય. અને તે વ્યક્તિ એવી તો ન હોવી જોઈએ જે કે હમેશાં લોકોને છેતરીને ધનવાન થવાનો પ્રયત્ન કરતી હોય.
વડીલ તો એવો હોવો જોઈએ કે જે લોકોને પોતાના ઘરમાં આવકારવા અને તેઓને મદદ કરવા હંમેશા આતુર હોય. જે કંઈ સત્કર્મ હોય તેનો તે ચાહક હોવો જોઈએ. તે વિવેકબુદ્ધિ ઘરાવતો હોવો જોઈએ. તેણે ન્યાયી જીવન જીવવું જોઈએ. તે પવિત્ર જ હોવો જોઈએ, તે પોતાની જાત પર અંકુશ રાખી શકતો હોવો જોઈએ.
આપણે જે સત્યનો ઉપદેશ આપીએ છીએ તેનું તે પોતે પણ વફાદારીપૂર્વક પાલન કરતો હોવો જોઈએ. તે વડીલમાં સારા કે શુદ્ધ ઉપદેશ દ્વારા લોકોને સહાય કરવાની ક્ષમતા હોવી જોઈએ. જે લોકો સાચા શિક્ષણથી વિમુખ હોય તેઓ ખોટા છે, એવું તેઓને સ્પષ્ટ કહેવા શક્તિમાન હોવો જોઈએ.
એવા અનેક લોકો છે કે જે આજ્ઞાનું પાલન કરતા નથી-એવા લોકો કે જે નકામી બાબતો વિષે ચર્ચા કર્યા કરતા હોય અને બીજા લોકોને ખોટા માર્ગે દોરતા હોય છે. હું ખાસ તો એવા લોકો વિષે ઉલ્લેખ કરવા માગું છું કે જેઓ એમ કહેતા ફરે છે કે સૌ બિનયહૂદિ લોકોની સુન્નત કરવી જ જોઈએ.
વડીલ એવો હોવો જોઈએ કે જે એવા લોકોને સ્પષ્ટ બતાવી શકે કે તેઓની માન્યતા ખોટી છે, અને તેઓને નકામી બાબતો વિષે બોલતા બંધ કરી દે. જેનો ઉપદેશ તેઓએ આપવા જેવો નથી એવી બાબતનો ઉપદેશ આપીને તે લોકો આખા કુટુંબનો નાશ કરી રહ્યા છે. તેઓ લોકોને માત્ર છેતરવા અને પૈસા બનાવવા એવું બધું શીખવી રહ્યા છે.
એમના જ ક્રીત ટાપુના તેઓના પોતાના પ્રબોધકોમાંના એકે આમ કહ્યું પણ છે કે, “ક્રીતના લોકો તો હંમેશા જૂઠું બોલનારા હોય છે, તેઓ જંગલી પશુઓ જેવા અને આળસુ છે કે જેઓ ખાવા સિવાય બીજું કંઈ કરતા નથી.”
એ પ્રબોધકે કહેલા શબ્દો સાચા છે. તેથી તું એ લોકોને કહે કે તેઓ ખોટા છે. તારે એમની સાથે કડક થવું જ પડશે. તો જ એમનો વિશ્વાસ દૃઢ થશે.
ત્યારબાદ તેઓ યહૂદી વાર્તાઓને માની લેવાનું બંધ કરશે. અને જે લોકો સત્યને સ્વીકારતા નથી તેઓ આદેશોને અનુસરવાનું પણ તેઓ બંધ કરશે.
જે લોકો પોતે શુદ્ધ છે, તેઓના માટે તો બધી વસ્તુઓ શુદ્ધ હોય છે. પરંતુ પાપથી ભરેલા અને અવિશ્વાસીઓને માટે કંઈ પણ શુદ્ધ હોતું નથી. ખરેખર, એ લોકોના વિચારો દુષ્ટ બન્યા છે અને સત્ય શું છે તે જાણવા તેઓનું જ્ઞાન નષ્ટ થઈ ગયુ છે.
એ લોકો તો એમ કહેતા હોય છે કે તેઓ દેવને જાણે છે, ઓળખે છે. પરંતુ એ લોકો જે ખરાબ કાર્યો કરે છે તે બતાવે છે કે તેઓ દેવનો નકાર કરે છે. તેઓ તો ભયંકર લોકો છે, તેઓ દેવની આજ્ઞાનો ભંગ કરે છે, અને તેઓ કોઈ પણ સારાં કામને માટે નકામા છે.

2

શુદ્ધ ઉપદેશનું પાલન કરવા લોકોએ શું શું કરવું જોઈએ એ વિષે તારે એમને કહેવું જ જોઈએ.
વૃદ્ધોને તું આત્મ-સંયમ રાખવાનું, ગંભીર, તથા શાણા થવાનું શીખવ. તેઓએ દૃઢ વિશ્વાસ, ઉત્કટ પ્રેમ તથા ધીરજમાં દૃઢ થવું જોઈએ.
વળી તું વૃદ્ધ સ્ત્રીઓને પવિત્ર જીવન ગાળવાનું શીખવ. તું એમને શીખવ કે બીજા લોકોની વિરૂદ્ધમાં કૂથલી કરનારી નહિ, કે ઘણો દ્રાક્ષારસ પીનારી નહિ પણ સ્ત્રીઓએ જે સારું છે તે શીખવવું જોઈએ.
એ રીતે તેઓ જુવાન સ્ત્રીઓને તેમના પતિ અને બાળકોને પ્રેમ રાખવાનું શીખવવું જોઈએ.
જુવાન સ્ત્રીઓને સમજુ અને શદ્ધ બનવાનું, પોતાનાં ઘરોની સંભાળ રાખવાનું, દયાળુ થવાનું અને પોતાના પતિની આજ્ઞા પાળવાનું, તેઓએ શીખવવું જોઈએ. તે પછી, પ્રભુએ આપણને આપેલા વાતની કોઈ પણ વ્યક્તિ ટીકા કરી શકશે નહિ.
એ જ રીતે, જુવાન માણસોને પણ તું શાણા થવાનું કહે.
જુવાન માણસો માટે દરેક બાબતમાં નમૂનારુંપ થવા તારે સારાં કામો કરવાં જોઈએ. જ્યારે તું ઉપદેશ આપે ત્યારે પ્રામાણિક અને ગંભીર બન.
અને જ્યારે તું બોલે, ત્યારે સત્ય જ ઉચ્ચારજે જેથી કરીને તારી ટીકા ન થાય. તે પછી તો તારો દુશ્મન શરમાઈ જશે કેમ કે આપણી વિરૂદ્ધ ખરાબ કહેવાનું એની પાસે કંઈ પણ હશે નહિ.
અને જે લોકો દાસો તરીકે સેવા આપે છે તેઓને તું આ બધું કહેજે: તેઓએ હંમેશા પોતાના ધણીની આજ્ઞા પાળવી જોઈએ, તેઓએ પોતાના ધણીઓને ખુશ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ; તેઓએ પોતાના ધણીઓ સાથે દલીલબાજીમાં ઉતરવું ન જોઈએ;
તેઓએ પોતાના ધણીઓને ત્યાંથી ચોરી ન કરવી જોઈએ; અને તેઓએ તેમના ધણીઓને એવું દેખાડવું જોઈએ કે તેઓ ભરોસાપાત્ર છે. દાસોએ આ રીતે વર્તવું જોઈએ, જેથી તેઓ જે કંઈ કરે તેમાં એવું દેખાય કે આપણા તારનાર દેવનો સુબોધ સારો છે.
આપણે આ રીતે જ જીવવું જોઈએ, કારણ કે દેવની કૃપાનું આગમન થયું છે. જે કૃપા દરેક વ્યક્તિનું તારણ કરે છે. અને તે કૃપા હવે આપણને આપવામાં આવી છે.
તે કૃપા આપણને શીખવે છે કે દેવથી વિમુખ જીવન જીવવું ન જોઈએ અને દુનિયા આપણી પાસે ખોટાં કામો કરાવવા માગતી હોય તે ન કરવાં જોઈએ. તે કૃપા આપણને હવે શાણપણથી અને સાચા માર્ગે પૃથ્વી પર રહેવાનો ઉપદેશ આપે છે-જીવવાની એવી રીત કે જે બતાવે કે આપણે દેવની સેવા કરીએ છીએ.
આપણા મહાન દેવ તથા તારનાર ઈસુ ખ્રિસ્તના આવવાની રાહ જોતાં આપણે એ રીતે જીવવું જોઈએ. તે જ તો આપણી મહાન આશા છે, અને તેનું આગમન મહિમાવંત હશે.
તેણે આપણા માટે પોતાની જાતનું સ્વાર્પણ કરી દીધું. તે બધા અન્યાયથી આપણને છોડાવવા મરણ પામ્યો. તે મરણ આપણને પવિત્ર કરીને પોતાને સારું ખાસ પ્રજા તથા સર્વ સારા કામ કરવાને આતુર એવા લોક તૈયાર કરે.
આ બધી વાતો તું લોકોને કહે. એ માટે તને સંપૂર્ણ સત્તા છે. તેથી લોકોના વિશ્વાસને દૃઢ કરવા માટે તેઓએ શું શું કરવું જોઈએ તે કહેવા તું તારા અધિકારનો ઉપયોગ કર. તેઓને પ્રોત્સાહિત કર અને તેઓ કંઈ પણ ખોટું કરતા હોય ત્યારે તેઓને સુધાર. અને તારું કોઈ મહત્વ ન હોય એમ માનનાર કોઈ પણ વ્યક્તિને તારી સાથે એ રીતે વર્તવા ન દઈશ.

3

તું લોકોને કહે કે તેઓ હંમેશા આ બાબતો યાદ રાખે: રાજસત્તાને અને અધિકારીઓની સત્તા હેઠળ રહેવું; એ અધિકારીઓની આજ્ઞા પાળવી અને દરેક સારી વસ્તુ કરવા તત્પર રહેવું;
કોઈ પણ વ્યક્તિના વિષે ખરાબ ન બોલવું; બીજા લોકો સાથે શાંતિથી રહેવું; બીજા લોકો સાથે વિનમ્ર થવું; અને તેઓની સાથે માયાળુ થવું. બીજા લોકો સાથે દયાળુ બનવું. બધા લોકોની સાથે આવો વ્યવહાર કરવાનું તું વિશ્વાસીઓને કહે.
ભૂતકાળમાં તો આપણે પણ મૂર્ખ લોકો હતા. આપણે આજ્ઞાઓનું ઉલ્લંઘન કરતા હતા, આપણે ખોટા હતા, અને આપણાં શરીરની ઈચ્છાને આધીન થઈ આપણે અનેક પ્રકારનો ભોગ વિલાસ ભોગવતા હતા, અને આપણે તે ઈચ્છાઓ અને વિલાસના ગુલામ હતા. આપણે દુષ્ટ કાર્યોવાળું અને ઈર્ષ્યાળુ જીવન જીવતા હતા. લોકો આપણને ધિક્કારતા હતા અને આપણે એકબીજાને ધિક્કારતા હતા.
પરંતુ ત્યારબાદ દેવ આપણા તારનારની દયા અને પ્રેમ સૌને પ્રગટ થયાં.
તેની સાથે ન્યાયી થવા માટે આપણે કરેલા કૃત્યોને કારણે તેણે આપણને તાર્યા નથી. પરંતુ તેની દયાથી તેણે આપણને પુનર્જન્મના સ્નાનથી તેના પવિત્ર આત્મા દ્વારા આપણું નવીનીકરણ કરીને દેવે આપણને તાર્યા છે.
આપણા તારનાર ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવે એ પવિત્ર આત્મા આપણા ઉપર પુષ્કળ રેડયો છે.
આમ, દેવની કૃપા વડે જ આપણે ન્યાયી થયા. અને દેવે આપણને આત્મા આપ્યો જેથી આપણને અનંતજીવન મળે. આપણે એની જ તો આશા રાખીએ છીએ.
આ વાત સાચી છે. આ બધી બાબતો લોકો સમજે એની તું ખાતરી કર એમ હું ઈચ્છું છું. તો જ દેવમાં વિશ્વાસ કરનારા લોકો સારા કાર્યો કરવા માટે પોતાના જીવનને સમર્પિત કરશે. આ બધી વાતો સારી છે, અને સૌ લોકોને મદદરુંપ થશે.
જો કોઈ વ્યક્તિ દલીલબાજી કરવાનું કારણ માગતી હોય, તો તું એને ચેતવણી આપ. જો એ વ્યક્તિ દલીલબાજી કરવાનું કારણ ચાલુ રાખે, તો ફરી એક વાર એને ચેતવજે. તેમ છતાં જો તે દલીલબાજી કરવાનું કારણ ચાલુ જ રાખે, તો તે માણસ સાથે કોઈ સંબંધ રાખતો નહિ.
તું જાણે છે કે એવી વ્યક્તિ દુષ્ટ અને પાપી હોય છે. તેનાં પાપ જ સાબિત કરે છે કે તે ખોટો છે.
હું આર્તિમાસ અને તુખિકસને તારી પાસે મોકલીશ. જ્યારે તેઓને હું ત્યાં મોકલું ત્યારે, તું નિકોપુલિસમાં મારી પાસે આવવાનો પ્રયત્ન કરજે. આ શિયાળા દરમ્યાન ત્યાં રહેવાનું મેં નક્કી કર્યુ છે.
ત્યાંથી ઝેનાસ શાસ્ત્રી અને અપોલોસ પ્રવાસ કરવાના છે. તારાથી થઈ શકે એટલી બધીજ મદદ તું એમના પ્રવાસ માટે કરજે. જરુંર હોય એવી દરેક વસ્તુ એમને મળી રહે એની તું ખાતરી કરજે.
આપણા લોકોએ સારા કામો કરવા માટે તેમના જીવનનો ઉપયોગ કરવાનું શીખવું જ પડશે. જે લોકોને જરુંર હોય એવાનું તેઓએ ભલું કરવું જોઈએ. તે પછી તે લોકોના જીવન નકામા નહિ રહે.
અહીં મારી સાથેના બધા લોકો તને ક્ષેમકુશળ કહે છે. વિશ્વાસમાંના જેઓ આપણા પર પ્રેમ રાખે છે તેમને તું ક્ષેમકુશળ કહેજે. તમ સર્વ પર કૃપા થાઓ.

License
CC-0
Link to license

Citation Suggestion for this Edition
TextGrid Repository (2025). Paul the Apostle. Titus (Gujarati). Multilingual Parallel Bible Corpus. https://hdl.handle.net/21.11113/0000-0016-9AE6-7