1

ઈસુ ખ્રિસ્તના પ્રેરિત પાઉલ તરફથી કુશળતા હો. દેવની ઇચ્છાથી હું પ્રેરિત બન્યો છું. ખ્રિસ્ત ઈસુમાં જીવન વિષે જે વચન છે તે વિષે લોકોને જણાવવા દેવે મને મોકલ્યો છે.
હવે તિમોથીને સંબોધન કરું છું. તું તો મારા પ્રિય પુત્ર સમાન છે. દેવ-પિતા તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તને કૃપા, દયા અને શાંતિ પ્રાપ્ત થાઓ.
રાત-દિવસ હંમેશા મારી પ્રાર્થનાઓમાં હું તને યાદ કરું છું. એ પ્રાર્થનાઓમાં તારા માટે હું દેવની આભારસ્તુતિ કરું છું. મારા પૂર્વજો જેની સેવા કરતા હતા તે એ જ દેવ છે. હું જે જાણું છું તે સાચું છે એમ સમજી, મેં હંમેશા એ દેવની સેવા કરી છે.
તારાં આંસુઓ સંભારતાં તને મળવાનું મને ઘણું મન થાય છે જેથી મારું હૈયું આનંદથી છલકાઇ જાય.
તારો સાચો વિશ્વાસ પણ મને યાદ આવે છે. તારી દાદી લોઈસ અને તારી માતા યુનિકા સૌ પ્રથમ એવો જ વિશ્વાસ ધરાવતાં હતાં. હું જાણું છું કે એ જ વિશ્વાસ હવે તું ધરાવે છે.
માટે હું તને યાદ દેવડાવા ઈચ્છું છું કે, જ્યારે મેં મારા હાથો તારા માથા પર મૂક્યા, દેવે તને તે કૃપાદાન આપ્યું. જેમ એક નાની સરખી જ્યોત ધીરે ધીરે મોટા અગ્નિમાં પરિવર્તન પામે છે, તેમ દેવે તને આપેલ તે ખાસ કૃપાદાન વધુ ને વધુ ખીલે અને તું એનો ઉપયોગ કરે એમ હું ઈચ્છું છું.
કેમ કે દેવે આપણને ભયનો આત્મા નહિ, પણ સાર્મથ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુધ્ધિનો આત્મા આપ્યો છે.
તેથી આપણા પ્રભુ ઈસુ વિષે લોકોને કહેતાં તું શરમ કે સંકોચ ન રાખીશ. અને મારા માટે પણ તારે શરમિંદા બનવાની જરૂર નથી કેમ કે હું પ્રભુને ખાતર જ કેદમાં છું. પરંતુ એ સુવાર્તાને લીધે તું પણ મારી સાથે દુ:ખ સહન કર એ સહન કરવા દેવ આપણને સાર્મથ્ય આપે જ છે.
દેવે આપણને તાર્યા છે અને આપણને તેના સંતો બનાવ્યા છે. આપણા પોતાના પ્રયત્નને કારણે એ થયું નથી. ના! તેની કૃપાને કારણે દેવે આપણને બચાવ્યા અને આપણને તેના સંતો બનાવ્યા કારણ કે એવી દેવની ઈચ્છા હતી. સમયનો પ્રારંભ થયો તે પહેલા ખ્રિસ્ત ઈસુ ધ્વારા દેવે એ કૃપા આપણને આપેલી હતી.
અત્યાર સુધી એ કૃપા આપણને પ્રગટ થઈ ન હતી. જ્યારે આપણો તારનાર ખ્રિસ્ત ઈસુ આવ્યો ત્યારે આપણને તેની કૃપા પ્રગટ થઈ. ઈસુએ મરણને નાબૂદ કર્યુ અને આપણને જીવન મેળવવાનો માર્ગ બતાવ્યો. હા! સુવાર્તા દ્ધારા ઈસુએ આપણને અવિનાશી જીવન પ્રાપ્ત કરવાનો માર્ગ દેખાડ્યો.
તે સુવાર્તાના પ્રચાર માટે, સુવાર્તાના પ્રેરિત તથા ઉપદેશક થવા માટે મારી પસંદગી કરવામાં આવી હતી.
અને અત્યારે હું દુ:ખ સહન કરી રહ્યો છું કેમ કે હું સુવાર્તા બધે કહેતો ફરું છું. પણ તેથી કઈ હું શરમાતો નથી. જેને મેં સ્વીકાર્યો છે તે એક (ઈસુ) ને જાણું છું. તે દિવસ આવે ત્યાં સુધી મને સોંપેલી વસ્તુઓનું રક્ષણ કરવા તે સમર્થ છે, એની મને ખાતરી છે.
મારી પાસેથી તેં જે સત્ય વચનો સાંભળ્યાં છે તેને તું અનુસર. ખ્રિસ્ત ઈસુમાં આપણને જે વિશ્વાસ અને પ્રેમ છે તેના ધ્વારા એ ઉપદેશને તું અનુસર. એ ઉપદેશ નમૂનારૂપ છે, કે જે દર્શાવે છે કે તારે કેવો ઉપદેશ આપવો જોઈએ.
તને જે સત્ય મળેલ છે તેનું તું રક્ષણ કર. પવિત્ર આત્માની સહાય વડે એ વસ્તુઓને તું સંભાળી રાખ. એ પવિત્ર આત્મા આપણા અંત:કરણમાં જ વસે છે.
તું તો જાણે જ છે કે આસિયાના પ્રાંતના પશ્ચિમની દરેક વ્યક્તિએ મને ત્યજી દીધો છે. ફુગિલસ અને હર્મોગનેસ પણ મને છોડીને ચાલ્યા ગયા છે.
ઓનેસિફરસના કુટુંબ પર પ્રભુ દયા કરે એવી મારી પ્રાર્થના છે. ઓનેસિફરસે ઘણી વાર મને મદદ કરી છે. મારી કેદની સજાને કારણે તે શરમિંદો થયો ન હતો.
ના, તે શરમાયો ન હતો. જ્યારે તે રોમ આવ્યો ત્યારે જ્યાં સુધી હું તેને મળ્યો નહિ ત્યાં સુધી તેણે મારી ખંતપૂર્વક શોધ કરી.
મારી પ્રાર્થના છે કે તે દિવસે પ્રભુ ઓનેસિફરસને દયા બતાવશે. તું તો જાણે છે જ એફેસસમાં ઓનેસિફરસે મને કઈ કઈ રીતે મદદ કરી હતી.

2

તિમોથી, મારા માટે તો તું દીકરા સમાન છે. ખ્રિસ્ત ઈસુમાં આપણને જે કૃપા છે તેમાં બળવાન થા.
મેં જે જે બાબતોનો ઉપદેશ આપ્યો છે તે તેં સાંભળ્યો છે. બીજા અનેક લોકોએ પણ એ બધું સાંભળ્યું છે. તારે એ જ બાબતો લોકોને શીખવવી જોઈએ. જે કેટલાએક લોકો પર તું વિશ્વાસ મૂકી શકે તેઓને તું એ ઉપદેશ આપ. પછી તેઓ બીજા લોકોને એ બાબતો શીખવી શકશે.
આપણને જે મુશ્કેલીઓ પડે છે તેમાં તું સહભાગી થા. ખ્રિસ્ત ઈસુના એક સારા સૈનિકની જેમ એ મુશ્કેલીઓ તું સ્વીકારી લે.
જે માણસ સૈનિક હોય તે પોતાના ઉપરી અધિકારીને ખુશ રાખવાની ઇચ્છા ધરાવે છે. તે પોતાની રોજીંદી જીવનમાં પોતાનો સમય વેડફતો નથી.
જો કોઇ અખાડામાં હરીફાઇમાં ઊતરે તો, નિયમોના પાલન વિના તેને ઈનામ મળતું નથી.
સખત પરિશ્રમ કરનાર ખેડૂતને તેના ઉગાડેલા અનાજમાંથી કેટલોક ભાગ મેળવવાનો પહેલો હક્ક છે.
હું જે બાબતો કહું છું તેના પર તું વિચાર કરજે. આ બધી વાતો સમજવા માટે પ્રભુ તને શક્તિ આપશે.
ઈસુ ખ્રિસ્તને યાદ રાખ. તે દાઉદના સંતાનનો છે. ઈસુ મૃત્યુ પામ્યો પછી તેને મૂએલામાંથી ઉઠાડવામાં આવ્યો હતો. આજ સુવાર્તા હું લોકોને કહું છું.
9કારણ કે એ સુવાર્તા હું કહેતો ફરું છું. તેથી હું ગુનેગારની જેમ દુ:ખ સહન કરું એમ મને ગુનેગાર વ્યક્તિની જેમ સાંકળોથી પણ બાંધી રાખ્યો છે. પરંતુ દેવનો ઉપદેશ કઈ બંધનમાં નથી.
તેથી આ બધી મુશ્કેલીઓ હું ધીરજપૂર્વક સ્વીકારું છું. દેવે પસંદ કરેલા બધા લોકોને મદદ કરવા ખાતર હું આ કરું છું. હું આ યાતનાઓ એટલા માટે સ્વીકારું છું. જેથી એ લોકોનું ખ્રિસ્ત ઈસુમાં તારણ થાય. તે તારણથી જે મહિના પ્રાપ્ત થાય છે તે અનંત છે.
આ ઉપદેશ સાચો છે: જો આપણે તેની સાથે મર્યા હોઇશું, તો તેની સાથે આપણે જીવીશું પણ ખરા.
જો આપણે યાતનાઓ સ્વીકારીએ, તો આપણે પણ ઈસુની સાથે રાજ કરીશું. જો આપણે ઈસુને સ્વીકારવાનો નકાર કરીએ, તો તે આપણને અપનાવવાનો નકાર કરશે.
આપણે જો વિશ્વાસુ નહિ હોઇએ, તો પણ તે તો વિશ્વાસુ જ રહેશે, કારણ કે તે પોતાની જાતને કદી બદલી શકતો નથી.
લોકોને આ બધી વાતો કહેવાનું તું ચાલુ રાખજે. અને દેવ આગળ એ લોકોને તું ચેતવજે કે તેઓ શબ્દો વિષે દલીલબાજી ન કરે. શબ્દો વિષે દલીલબાજી કરનાર કઈજ ઉપયોગી કરી શકતો નથી. અને તે સાંભળનાર લોકોનો તો સર્વનાશ થાય છે.
દેવ તને પસંદ કરે છે એવી પાત્રતા મેળવવા તું સર્વોત્તમ કાર્યો કર, અને તું દેવને પૂર્ણ સમર્પિત થઈ જા. પોતાના કામની બાબતમાં જે શરમ અનુભવતો નથી એવો કાર્યકર તું થા-કે જે કાર્યકર સાચા ઉપદેશનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે.
દેવ તરફથી જે બાબતો કદી આવી જ નથી એવી વ્યર્થ વાતો કરનારા લોકોથી તું દૂર રહેજે. એવી વાતો માણસને દેવથી વધુ ને વધુ વિરૂદ્ધ કરનારી હોય છે.
તેઓની વાતો શરીરમાં જેમ રોગ ફેલાય છે તેમ અનિષ્ટ ફેલાવે છે. હુમનાયસ અને ફિલેતસ એવા માણસો છે.
તેઓએ સાચો ઉપદેશ ત્યજી દીધો છે. તેઓ તો એમ કહે છે કે મૃત્યુમાંથી લોકોનું પુનરુંત્થાન તો ક્યારનું થઈ ગયું છે. અને તેઓ બંન્ને કેટલાએક લોકોનો વિશ્વાસ નષ્ટ કરી રહ્યા છે.
પરંતુ દેવના અસ્તિત્વનો પાયો સદાને માટે મજબૂત છે, એ પાયા પર આ શબ્દો લખેલા છે: “જે લોકો તેના છે તેઓને પ્રભુ ઓળખે છે.” દેવની ઇમારતના પાયા પર આ શબ્દો લખેલા છે: “જે જે માણસ એમ કહેતો હોય કે તે પ્રભુમાં વિશ્વાસ ધરાવે છે, તેણે ખોટાં કામ કરવાનું છોડવું જ પડશે.”
મોટા ઘરોમાં સોના-ચાંદીની વસ્તુઓ હોય છે પરંતુ લાકડાની અને માટીની વસ્તુઓ પણ ત્યાં હોય છે. કેટલીક વસ્તુઓ વિશિષ્ટ હેતુ માટે વપરાય છે. બીજી અમુક વસ્તુઓ સાફસૂફી કે સ્વચ્છતા કરવા બનાવેલી હોય છે.
જો કોઇ વ્યક્તિ આ બધા જ દુષ્ટ કર્મોથી સ્વચ્છ બનશે તો ખાસ હેતુસર એ વ્યક્તિનો ઉપયોગ કરવામાં આવશે. એ વ્યક્તિને પવિત્ર બનાવવામાં આવશે, અને સ્વામી તેનો ઉપયોગ કરી શકશે. કોઇ પણ સારું કામ કરવા એ વ્યક્તિ તૈયાર થશે.
જુવાન માણસને જે ખરાબ કામો કરવાનું મન થતું હોય છે તેવી બાબતોથી તું દૂર રહેજે. યોગ્ય રીતે જ જીવન જીવવાનો અને વિશ્વાસ, પ્રેમ, અને શાંતિ પ્રાપ્ત કરવાનો તું ખૂબ પ્રયત્ન કરજે. શુદ્ધ હ્રદયથી પ્રભુમાં વિશ્વાસ ધરાવતા લોકોની સાથે રહીને તું આ બધું કરજે.
અક્કલ વગરની અને મૂર્ખાઇભરી દલીલબાજીથી તું દૂર રહેજે. તું જાણે છે કે આવી દલીલોમાંથી મોટી દલીલબાજી જન્મે છે.
પ્રભુના સેવકે તો ઝઘડવું ન જોઈએ! તેણે તો દરેક વ્યક્તિ પ્રત્યે માયાળુ થવું જોઈએ. પ્રભુના સેવકે તો એક સારા શિક્ષક થવું જોઈએ. તે સહનશીલ હોવો જોઈએ.
પ્રભુના સેવકે તો તેની સાથે અસંમત થતા વિરોધીઓને નમ્રતાથી ઉપદેશ કરવો જોઈએ. શક્ય છે કે દેવ એવા લોકોને પસ્તાવો કરવા દે, જેથી તેઓ સત્ય સ્વીકારી શકે.
શેતાને એવા લોકોને પોતાની જાળમાં ફસાવ્યા છે અને તેઓની પાસે પોતાનું ધાર્યું કરાવે છે. પરંતુ શક્ય છે કે તેઓ જાગી જાય અને સમજે કે શેતાન તેઓનો દુરુંપયોગ કરી રહ્યો છે, અને અંતે શેતાનની માયાજાળમાંથી પોતાને મુક્ત કરાવે.

3

આ યાદ રાખજે! છેલ્લા દિવસોમાં ધણી બધી મુશ્કેલીઓ આવશે.
એવો સમય આવશે કે જ્યારે લોકો પોતાની જાતને જ તથા પૈસાને પ્રેમ કરશે. તેઓ બડાશખોર અને અભિમાની બનશે. લોકો બીજાની નિંદા-કૂથલી કરતા થઈ જશે. લોકો પોતાના મા-બાપની આજ્ઞા નહિ પાળે. લોકોમાં આભારની ભાવના મરી પરવારશે. દેવને જેવા લોકો ગમે છે તેવા તેઓ નહિ હોય.
લોકોને એકબીજા માટે પ્રેમ નહિ હોય. તેઓ બીજા લોકોને માફ કરી શકશે નહિ. અને તેઓ ખરાબ વાતો કરશે. લોકો પોતાની જાત પરનો કાબૂ ગુમાવશે. તેઓ ક્રોધી અને હલકી વૃત્તિવાળા અને જે વસ્તુઓ સારી હશે તેને ધિક્કારશે.
આવનારા છેલ્લા દિવસોમાં લોકો પોતાના મિત્રોના વિશ્વાસઘાતી બની જશે. તેઓ જરા પણ વિચાર કર્યા વગર મૂર્ખતાભર્યા કામો કરશે. લોકો દેવ પર પ્રીતિ રાખવાને બદલે વિલાસ પર પ્રીતિ રાખનારા થશે.
એ લોકો દેવની સેવા કરવાનો ડોળ ચાલુ રાખશે, પરંતુ તેઓની જીવન જીવવાની રીત પરથી ખ્યાલ આવશે કે તેઓ દેવની સેવા ખરેખર કરતાં જ નથી. તિમોથી, એવા લોકોથી તું દૂર રહેજે.
તેઓમાંના કેટલાએક લોકો તો પારકાના ઘરમાં ઘૂસી જઇને અબળા સ્ત્રીઓને ફસાવવાનો પ્રયત્ન કરતા હોય છે. એ સ્ત્રીઓમાં પણ પુષ્કળ પાપ હોય છે. અનેક અનિષ્ટ કુકર્મો કરવાની ઈચ્છા ધરાવતી એ સ્ત્રીઓ પાપૅંેથી ભરપૂર હોય છે.
એ સ્ત્રીઓ હંમેશા નવું નવું શિક્ષણ શીખવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેઓ સત્યના જ્ઞાન સુધી પહોંચી શકવા શક્તિમાન થતી નથી.
યાન્નેસ અને યાંબ્રેસને યાદ કર. તેઓ મૂસાના વિરોધીઓ હતા. આ લોકોની બાબતમાં પણ એવું જ છે. તેઓ સત્યનો વિરોધ કરે છે. એ એવા લોકો છે જેમની વિચાર-શક્તિ ગૂંચવાઇ ગઇ છે. તેઓ વિશ્વાસનો માર્ગ અનુસરવામાં નિષ્ફળ ગયા છે.
પરંતુ તેઓ જે કાર્યો કરી રહ્યા છે તેમાં સફળ તવાના નથી. બધા લોકોને ખબર પડશે કે તેઓ કેવા મૂર્ખ છે. યાંન્નેસ અને યાંબ્રેસનું આવું જ થયું હતું.
પરંતુ મારા વિષે તો તું બધું જાણે છે. હું જે શીખવું છું અને જે રીતે હું રહું છું તે તને ખબર છે. મારા જીવનનો હેતું તું જાણે છે. મારો વિશ્વાસ, મારો પ્રેમ અને મારી ધીરજથી તું પરિચિત છે. હું મારો પ્રયત્ન કદીય છોડતો નથી, એ તું જાણે છે.
મેં જે સતાવણી અને યાતનાઓ સહન કરી છે તે વિષે તને ખબર છે. અંત્યોખ, ઈકોનિયામાં, અને લુસ્ત્રામાં મારી સાથે જે બન્યું હતું તે તું જાણે છે. એ સ્થળોએ મેં કેવી કેવી સતાવણી સહન કરી હતી, એ તને ખબર છે. પરંતુ એ બધી મુશ્કેલીઓમાં પ્રભુએ જ મારો છુટકારો કર્યો છે.
દરેક વ્યક્તિ દેવની ઈચ્છા મુજબ ખ્રિસ્ત ઈસુમાં જીવન સમર્પિત કરી જીવવાનો પ્રયત્ન કરશે તે દરેક વ્યક્તિની સતાવણી કરવામાં આવશે.
જે દુષ્ટ લોકો બીજાને છેતરે છે તે લોકો વધુ ને વધુ ખરાબ થતા જશે. તેઓ બીજા લોકોને મૂર્ખ બનાવશે, પરંતુ તેઓ પોતે પણ મૂર્ખ બનશે.
પરંતુ જે વાતો તું શીખ્યો છે તેને અનુસરવાનું તારે ચાલુ રાખવું જોઈએ. તું જાણે છે કે એ બધી વતો સાચી છે. તું એ બાબતો શીખવનારાઓ પર પૂરો વિશ્વાસ રાખી શકે છે એની તને ખબર છે.
તું બાળક હતો ત્યારનો પવિત્ર શાસ્ત્રથી પરિચિત છે. એ પવિત્રશાસ્ત્ર તને વિવેકબુદ્ધિવાળો બનાવવાની ક્ષમતા ધરાવે છે અને ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ દ્ધારા તારણના માર્ગે જવા એ વિવેકબુદ્ધિ તને ઉપયોગી નીવડશે.
દરેક શાસ્ત્ર ઇશ્વરપ્રેરિત છે. લોકોના જીવનમાં ક્યાં ખોટું થાય છે તે બતાવવા અને બોધ આપવા દરેક શાસ્ત્ર ઉપયોગી છે. ભૂલો સુધારવા અને ન્યાયી જીવન જીવવાના શિક્ષણમાં ભૂલો સુધારવા દરેક શાસ્ત્ર ઉપયોગી છે.
શાસ્ત્રોનો ઉપયોગ કરીને જે વ્યક્તિ દેવની સેવા કરશે, તે બધાજ સારા કાર્યો કરવા માટે પૂરેપૂરો સુસજજ થશે.

4

દેવ તથા ઈસુ ખ્રિસ્ત સમક્ષ હું તને આદેશ આપું છું કે મરણ પામેલા તેમજ જીવતા લોકોનો એક માત્ર એવો ખ્રિસ્ત ઈસુ ન્યાય કરશે. ઈસુનું રાજ્ય છે, અને તે ફરીથી આવી રહ્યો છે. તેથી હું તને આ આદેશ આપું છું:
લોકોને તું સુવાર્તા પ્રગટ કર. તે સંદેશ એ છે કે, લોકોનાં પાપ માફ થઈ શકે અને તેઓ દેવના સાન્નિધ્યમાં રહી શકે, એવો માર્ગ દેવે હવે સર્વ માટે ખૂલ્લો કરી દીધો છે. દરેક સમયે તું તૈયાર રહેજે. લોકોએ શું શું કરવાની જરુંર છે તે તું તેઓને કહે, તેઓની ભૂલ થાય ત્યારે તું તેઓને ધમકાવ અને તેઓને પ્રોત્સાહિત કર. આ બધું તું ખૂબજ ધીરજપૂર્વક તથા કાળજીપૂર્વકના ઉપદેશ વડે કર.
એવો સમય આવશે કે જ્યારે લોકો સાચો ઉપદેશ નહિ સાંભળે. પણ કાનમાં ખંજવાળ આવવાથી તેઓ પોતાને મનગમતા ઉપદેશકો પોતાના માટે ભેગા કરશે.
લોકો સત્ય તરફ આડા કાન કરશે. કાલ્પનિક વાતોના શિક્ષણને અનુસરવાનું શરું કરશે.
પરંતુ હર ઘડીએ તું સર્વ બાબતોમાં સાવધ રહેજે. જ્યારે મુસીબતો આવે ત્યારે તેઓને તું સ્વીકારી લેજે. સુવાર્તા પ્રચારનું કામ કરતો રહેજે. દેવના સેવકની બધી જ ફરજો તું અદા કરી બતાવજે.
કેમ કે હું અત્યારે પેયાર્પણ તરીકે રેડાઉં છું. અને મારો પ્રયાણકાળ પાસે આવી ગયો છે.
હું સારી લડાઇ લડ્યો છું. મેં દોડ પૂરી કરી છે. મેં વિશ્વાસ રાખ્યો છે.
હવે મારે સાંરું ન્યાયીપણાનો મુગટ રાખી મૂકેલો છે, તેથી એ મુગટ મને મળશે કારણ કે હું દેવ સાથે ન્યાયી છું. પ્રભુ તો એવો ન્યાયાધીશ છે કે જે યોગ્ય જ ન્યાય કરે છે. તે દિવસે પ્રભુ મને તે મુગટ આપશે. હા! તે મને મુગટ આપશે. પ્રભુના પ્રગટ થવાની ઇચ્છા રાખનારા અને તેની પ્રતિક્ષા કરનારા સર્વ લોકોને પ્રભુ તે મુગટ આપશે.
દેમાસે વર્તમાન દુનિયાને પુષ્કળ પ્રેમ કર્યો હતો. તેથી જ તો તે મને છોડીને ચાલ્યો ગયો છે. તે થેસ્સલોનિકા જતો રહ્યો છે અને ક્રેસ્કેન્સ ગલાતિયા ગયો છે. અને તિતસ દલ્મતિયા ગયો છે.
હવે મારી સાથે ફક્ત લૂક જ રહ્યો છે. માર્કને શોધી કાઢજે અને તું આવે ત્યારે એને તારી સાથે લેતો આવજે. અહીંના મારા કાર્યમાં તે મને મદદ કરી શકે એવો છે.
મેં તુખિકસને એફેસસમાં મોકલ્યો છે.
હું જ્યારે ત્રોઆસમાં હતો ત્યારે કાર્પસ પાસે મારો કોટ મૂકી આવ્યો છું. તો તું જ્યારે આવે ત્યારે મારો એ કોટ લેતો આવજે. અને મારાં પુસ્તકો પણ લાવજે. જે પુસ્તકો વિશિષ્ટ રીતે ચર્મપત્રો પર લખેલા છે તેની મારે ખાસ જરૂર છે.
આલેકસાંદર કંસારાએ મારું ઘણું નુકશાન કર્યુ છે. આલેકસાંદરના કુકર્મો બદલ પ્રભુ તેને શિક્ષા કરશે.
તું તે માણસથી ચેતતો રહેજે જેથી તે તને પણ આઘાત ન આપે. તેણે આપણા ઉપદેશની સામે ઘણો વિરોધ દર્શાવ્યો છે.
પહેલી વાર જ્યારે મેં મારો બચાવ કર્યો, ત્યારે મને કોઈએ મદદ ન કરી. દરેક જણ મને છોડીને ચાલ્યા ગયા હતા. મારી પ્રાર્થના છે કે દેવ તેઓને માફ કરે.
પરંતુ પ્રભુ મારાં પક્ષમાં ઊભો રહ્યો. બિન-યહૂદિઓને હું સુવાર્તા સંપૂર્ણ રીતે જણાવી શકું એ માટે પ્રભુએ મને પૂરતી શક્તિ આપી. સૌ બિનયહૂદિઓ તે સુવાર્તા સાંભળે એવી પ્રભુની ઈચ્છા હતી. સિંહ નાં મોઢાંમાથી મને બચાવી લેવામાં આવ્યો.
જ્યારે કોઇ પણ વ્યક્તિ મને ઇજા કરવાનો પ્રયત્ન કરશે ત્યારે પ્રભુ મારો બચાવ કરશે. પ્રભુ મને તેના સ્વર્ગીય રાજ્યમાં સુરક્ષિત રીતે લઈ જશે. પ્રભુનો મહિમા સર્વકાળ હો.
પ્રિસ્કી અને અકુલાસ તથા ઓનેસિફરસના કુટુંબને મારા તરફથી ક્ષેમકુશળ કહેજે.
એરાસ્તસ કરિંથમાં રહ્યો અને મેં ત્રોફિમસને બિમાર હતો તેથી મિલેતસમાં રાખ્યો છે.
શિયાળા પહેલાં તું મારી પાસે આવી પહોંચે એવો પ્રયત્ન કરજે. યુબૂલસ તને ક્ષેમકુશળ કહે છે. વળી પુદેન્સ, લિનસ, કલોદિયા, અને ખ્રિસ્તમાં સર્વ
ભાઈઓ તને ક્ષેમકુશળ કહે છે. પ્રભુ તારા આત્માની સાથે થાઓ. તારા પર કૃપા થાઓ.

Holder of rights
Multilingual Bible Corpus

Citation Suggestion for this Object
TextGrid Repository (2025). Gujarati Collection. 2 Timothy (Gujarati). 2 Timothy (Gujarati). Multilingual Parallel Bible Corpus. Multilingual Bible Corpus. https://hdl.handle.net/21.11113/0000-0016-9AE5-8