1
હવે અમે તમને જગતના આરંભકાળ પહેલા જે કોઈ વસ્તુઓનું અસ્તિત્વ હતું તે વિષે કહીએ છીએ આ અમે સાંભળ્યું છે, અમે પોતાની આંખો વડે જોયું છે, અમે નિહાળ્યું છે, અમે અમારા હાથે સ્પર્શ કર્યો છે. અમે તમને તે શબ્દ (ખ્રિસ્ત) જે જીવન આપે છે તે વિષે લખીએ છીએ.
તે જીવન અમને બતાવ્યું છે. અમે તે જોયું છે. અમે તે વિષે સાક્ષી આપી શકીએ છીએ. હવે અમે તમને તે જીવન વિષે કહીએ છીએ. તે જીવન જે અનંતકાળનું છે. આ તે જીવન છે જે દેવ બાપ સાથે હતું. દેવે આપણને આ જીવન બતાવ્યું છે.
હવે અમે તમને જે કંઈ જોયું છે અને સાંભળ્યુ છે તે કહીએ છીએ. શા માટે? કારણ કે અમે તમને અમારી સાથે ભાગીદાર બનાવવા ઈચ્છીએ છીએ. જેથી દેવ બાપ અને તેના પુત્ર ઈસુ ખ્રિસ્ત સાથે અમને જે આનંદ અને સંગત મળ્યાં છે તેના તમે પણ ભાગીદાર બનો.
અમે તમને આ બાબત લખીએ છીએ તેથી તમારો પણ આનંદ અમારી સાથે સંપૂર્ણ થાય.
અમે દેવ પાસેથી સાચો સંદેશો સાંભળ્યો છે. હવે અમે તે તમને કહીએ છીએ દેવ પ્રકાશ છે. દેવમાં અંધકાર નથી.
તેથી જો આપણે કહીએ કે આપણને દેવ સાથે સંગત છે અને આપણે અંધકારમાં જીવીએ તો પછી આપણે જૂઠાં છીએ. આપણે સત્યને અનુસરતા નથી.
દેવ પ્રકાશમાં છે. આપણે પણ પ્રકાશમાં જીવવું જોઈએ, જો આપણે પ્રકાશમાં જીવીએ તો, પછી આપણે એકબીજાની સાથે સંગતંમાં છીએ. અને જ્યારે આપણે પ્રકાશમાં જીવીએ છીએ, તો તેના પુત્ર ઈસુનું રકત આપણને સધળાં પાપમાંથી શુદ્ધ કરે છે.
જો આપણે કહીએ કે આપણામાં પાપ નથી તો, આપણે આપણી જાતને મૂર્ખ બનાવીએ છીએ, અને સત્ય આપણી અંદર નથી.
પણ જો આપણે આપણાં પાપો કબૂલ કરીએ છીએ, તો દેવ આપણાં પાપ માફ કરશે. આપણે દેવ પર વિશ્વાસ કરી શકીએ છીએ. દેવ જે સત્ય છે તે જ કરે છે. આપણે કરેલા બધાં ખોટાં કામોમાંથી દેવ આપણને શુધ્ધ કરે છે.
જો આપણે કહીએ કે આપણે પાપ કર્યું નથી, તો આપણે દેવને જૂઠાં ઠરાવીએ છીએ આપણે દેવનાં સાચા વચનનો સ્વીકાર કરતાં નથી.
2
મારાં વહાલાં બાળકો, હું આ પત્ર તમને લખું છું જેથી તમે પાપ કરશો નહિ. પણ જો કાઈ વ્યક્તિ પાપ કરે છે, તો આપણી પાસે આપણી મદદમાં ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે ઈસુ દેવ બાપ આગળ આપણો બચાવ કરે છે.
ઈસુના દ્વારા આપણા પાપો દૂર કરવામાં આવે છે. અને કેવળ આપણાં જ નહિ, સમગ્ર જગતનાં પાપો દૂર કરનાર તે જ છે.
જો આપણે દેવે જે આપણને કહ્યું છે તેનુ પાલન કરીશું, તો પછી આપણને ખાતરી છે કે આપણે ખરેખર દેવને ઓળખીએ છીએ.
એક વ્યક્તિ કહે છે કે, “હું દેવને જાણું છું!” પણ જો તે વ્યક્તિ દેવની આજ્ઞાઓનું પાલન કરતો નથી, તો પછી તે વ્યક્તિ જૂઠો છે. તેનામાં સત્ય નથી.
પણ જ્યારે એક વ્યક્તિ દેવના વચનનું પાલન કરે છે, તો તેનામાં દેવ પરનો પ્રેમ તેના લક્ષ્યાંક સુધી પહોંચ્યો છે. આ રીતે આપણે જાણીએ છીએ કે આપણે દેવને અનુસરીએ છીએ.
જો કોઈ વ્યક્તિ કહે કે તે દેવમાં જીવે છે, તો પછી તેણે ઈસુ જેવું જીવન જીવ્યો તેવું જીવન જીવવું જોઈએ.
મારા વહાલા મિત્રો, હું તમને નવી આજ્ઞા લખતો નથી. જે તમને શરુંઆતથી આપવામાં આવી છે તે એ જ આજ્ઞા છે. જે વચન તમે સાંભળ્યું છે તેની તે જ આ આજ્ઞા છે.
પણ હું આ નવી આજ્ઞા તરીકે તમને લખું છું. આ આજ્ઞા સત્ય છે. તમે તેનું સાચાપણું ઈસુમાં અને તમારી જાતમામ જોઈ શકશો. અંધકાર દુર જઈ રહ્યો છે અને ખરો પ્રકાશ આ સમયે હમણા પ્રકાશી રહ્યો છે.
કોઈ વ્યક્તિ કહે છે કે, “હું પ્રકાશમાં છું, પણ જો તે વ્યક્તિ તેના ભાઈને ધિક્કારે છે, તો પછી તે હજુ અંધકારમાં જ છે.
જે વ્યક્તિ તેના ભાઈને પ્રેમ કરે છે તો તે પ્રકાશમાં જીવે છે, અને તે વ્યક્તિમાં એવું કશું નથી જેથી તે ખોટું કરી શકે.
પરંતુ જે વ્યક્તિ તેના ભાઈને ધિક્કારે છે તે અધંકારમાં છે. તે અધંકારમાં જીવે છે. તે વ્યક્તિ જાણતો નથી કે તે ક્યાં જાય છે. શા માટે? કારણ કે અંધકારે તેને આધળો બનાવી દીધો છે.
વહાલા બાળકો, હું તમને લખું છું, કારણ કે તમારાં પાપો ખ્રિસ્ત દ્વારા માફ કરવામાં આવ્યાં છે.
પિતાઓ, હું તમને લખું છું કારણ કે આરંભથી તમે તે કોણ છે તે જાણો છો, જુવાનો, હું તમને લખું છુ, કારણ કે તમે દુષ્ટ વ્યક્તિ (શેતાન) પર વિજય મેળવ્યો છે.
બાળકો હું તમને લખું છું, કારણ કે તમે પિતાને ઓળખો છો. પિતાઓ, મેં તમને લખ્યું છે કારણ કે જે આરંભથી ત્યાં હતો તેને તમે ઓળખો છો. જુવાનો, મે તમને લખ્યું છે. કારણ કે તમે બળવાન છો; દેવનું વચન તમારામાં છે, અને તમે દુષ્ટ વ્યક્તિ પર વિજય મેળવ્યો છે.
જગત પર અથવા જગતમાંના વાનાં પર પ્રેમ ના રાખો. જો કોઈ જગત પર પ્રેમ રાખે છે, તો તેનામાં બાપ પરનો પ્રેમ નથી.
જગતમાં આ દુષ્ટ વસ્તુઓ છે આપણા પાપી સ્વભાવને પ્રસન્ન કરવા માટેની ઈચ્છા, આંખોની લાલસા માટેની ઈચ્છા,આપણી સંપત્તિનું ખૂબ અભિમાન હોવું, આ બધું બાપ (દેવ) પાસેથી આવતું નથી, આ સર્વ જગતમાંથી આવે છે.
જગત અને દુનિયાની જે બધી વસ્તુઓ લોકો ઈચ્છે છે તેનો પણ લય થશેજ. પરંતુ જે વ્યક્તિ દેવની ઈચ્છા પ્રમાણે કરે છે તે અનંતકાળ જીવે છે.
મારાં વહાલાં બાળકો, અંત નજીક છે! તમે સાંભળ્યું છે કે ખ્રિસ્તવિરોધી આવે છે. અને હવે ખ્રિસ્તવિરોધીઓ ઘણાં અહીં છે. તેથી અમે જાણીએ છીએ કે હવે અંત નજીક છે.
ખ્રિસ્તના તે વિરોધીઓ આપણા સમુહમાં હતા. પણ તેઓ આપણામાંથી નીકળી ગયા. તેઓ ખરેખર આપણી સાથે ન હતા. જો તે ખરેખર આપણા સમુહના હોત, તો તેઓ આપણી સાથે રહ્યા હોત. પણ તેઓ નીકળી ગયા. આ તે બતાવે છે કે તેમાંનો કોઈ પણ ખરેખર આપણમાંનો હતો નહિ.
તમે જે પવિત્ર છે (દેવ કે ખ્રિસ્ત) તેના દ્વારા અભિષિક્ત થયા છો. તેથી તમે બધા સત્યને જાણો છો.
મારે તમને શા માટે લખવું? તમે સત્યને જાણતા નથી તેથી મારે લખવું? ના! હું આ પત્ર લખું છું કારણ કે તમે સત્યને જાણો છો. અને તમે જાણો છો કે કોઈ પણ જુઠાણું સત્યમાંથી આવતું નથી.
તેથી જુઠો કોણ છે? તે એ વ્યક્તિ છે જે કહે છે કે ઈસુ, ખ્રિસ્ત નથી. તે ખ્રિસ્તવિરોધી છે. તે વ્યક્તિ પિતામાં વિશ્વાસ કરતો નથી. અથવા તેના પુત્રમાં વિશ્વાસ કરતો નથી, તો તેને બાપ હોતો નથી, પરંતુ જે વ્યક્તિ પુત્રને સ્વીકારે છે તો તેને બાપ પણ છે.
પુત્રએ આપણને અનંતકાળનું જીવન આપવાનું વચન આપ્યું છે.
જે લોકો તમને ખોટા રસ્તે દોરવાનો પ્રયત્ન કરે છે તે લોકો વિષે હું આ પત્ર લખું છું
ખ્રિસ્તે તમારો અભિષેક કયો છે તે હજુ તમારી સાથે રહે છે. તેથી તમને ઉપદેશક આપવા માટે કોઈ વ્યક્તિની તમને જરુંર નથી. તમને ખ્રિસ્તે આપેલ ભેટ બધી બાબતો વિષે શીખવે છે. આ અભિષેક ખરો છે. તે ખોટો નથી. તેથી તેના અભિષેકે જે શીખવ્યું છે તે પ્રમાણે ખ્રિસ્તમાં જીવવાનું ચાલુ રાખો.
હા, મારાં બાળકો, તેનામાં જીવો. જો આપણે આ કરીશુ, તો આપણે ખ્રિસ્ત ઈસુ જ્યારે પાછો આવવાનો છે તે દિવસે નિર્ભય બનીશું જ્યારે તે આવે ત્યારે આપણે છુપાઈ જવાની કે શરમાઈ જવાની જરુંર નથી.
તમે જાણો છો કે ઈસુ ન્યાયી છે. તેથી તમે એ બધા લોકોને જાણો છો જે સાચું હોય તે જ તે કરે છે. તે દેવનાં છોકરાં છે.
3
પિતાએ આપણા પર કેટલો બધો પ્રેમ કયો છે! એ જ બતાવે છે કે તેણે આપણને કેટલો પ્રેમ કયો છે! આપણે દેવનાં છોકરાં કહેવાઈએ છીએ અને ખરેખર આપણે તેનાં છોકરાં છીએ. પરંતુ જગતનાં લોકો સમજતા નથી કે આપણે દેવનાં છોકરાં છીએ, કારણ કે તેઓએ તેને ઓળખ્યો નથી.
વ્હાલા મિત્રો, હવે આપણે દેવના છોકરા છીએ. અને ભવિષ્યમાં આપણે કેવા થઈશું તે હજી સુધી પ્રગટ થયું નથી. પણ આપણે જાણીએ છીએ કે જ્યારે ઈસુ ફરીથી આવશે ત્યારે આપણે ખ્રિસ્ત જેવા થઈશું. તે જેવો છે તેવો આપણે તેને જોઈશું.
ખ્રિસ્ત પવિત્ર છે. અને પ્રત્યેક વ્યક્તિ જેને ખ્રિસ્તમાં આશા છે તે પોતાની જાતને ખ્રિસ્ત જેવી પવિત્ર રાખે છે.
જ્યારે કોઈ વ્યક્તિ પાપ કરે છે, ત્યારે તે દેવના નિયમને તોડે છે. હા, પાપ કરવુ તે દેવના નિયમ વિરુંધ્ધ જીવવા જેવું છે.
તમે જાણો છો કે ખ્રિસ્ત લોકોનાં પાપોને દૂર કરવા આવ્યો હતો. ખ્રિસ્તમાં કોઈ પાપ નથી.
તેથી જે વ્યક્તિ ખ્રિસ્તમાં જીવે છે તે પાપ કરતો નથી. જે કોઈ વ્યક્તિ પાપ કરે છે, તે ખરેખર ખ્રિસ્તને સમજ્યો નથી અને કદી તેણે ખ્રિસ્તને ઓળખ્યો નથી.
વહાલાં બાળકો, કોઈ તમને ખોટા રસ્તે દોરે નહિ. ખ્રિસ્ત ન્યાયી છે. ખ્રિસ્તની જેમ સારા થવા માટે, વ્યક્તિએ જે ન્યાયી છે તે કરવું જોઈએ.
શેતાન આરંભકાળથી જ પાપ કરે છે જે વ્યક્તિ પાપ કરવાનું ચાલુ રાખે છે તે શેતાનનો છે. દેવનો પુત્ર શેતાનનાં કામોનો નાશ કરવા માટે આવ્યો.
જ્યારે દેવ એક વ્યક્તિને તેનો બાળક બનાવે છે, ત્યારે તે વ્યક્તિ પાપ કરવાનું ચાલું રાખતો નથી. શા માટે? કારણ કે દેવે તેનામાં જે બીજ રોપ્યું છે તે તેની અંદર રહે છે અને તે પાપ કરી શકતો નથી. કારણ કે તે દેવથી જન્મેલો છે.
તેથી આપણે જોઈ શકીએ છીએ કે દેવનાં છોકરાં કોણ છે. વળી, આપણે જાણી શકીએ છીએ કે શેતાનનાં છોકરાં કોણ છે જે લોકો સાચુ જે છે તે કરતા નથી તે દેવનાં છોકરાં નથી. અને જે વ્યક્તિ તેના ભાઈને પ્રેમ કરતો નથી. તે પણ દેવનું બાળક નથી.
આરંભથી જે ઉપદેશ તમે સાંભળ્યો છે તે આ જ છે: આપણે એક બીજા પર પ્રેમ કરવો જોઈએ.
કાઈન44 જેવા ન થાઓ. કાઈન દુષ્ટનો હતો. કાઈને તેના ભાઈ હાબેલને મારી નાખ્યો? કારણ કે કાઈનનાં કામો ભુંડાં હતાં અને તેના ભાઈ હાબેલનાં કામો સારાં હતાં.
ભાઈઓ અને બહેનો, આ જગતના લોકો જ્યારે તમને ધિક્કારે ત્યાંરે નવાઈ પામશો નહિ.
આપણે જાણીએ છીએ કે આપણે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યાં છીએ. આપણે આ જાણીએ છીએ કારણ કે આપણે આપણા ભાઈઓ અને બહેનોને પ્રેમ કરીએ છીએ. જે વ્યક્તિ પ્રેમ કરતો નથી તે હજુ મરણમા છે.
પ્રત્યેક વ્યક્તિ જે તેના ભાઈનો દ્રેષ કરે છે તે ખુની છે. અને તમે જાણો છો કે કોઈ ખુનીમાં અનંતજીવન રહેતું નથી.
એથી આપણે જાણીએ છીએ કે સાચો પ્રેમ શું છે ઈસુએ પોતાનો પ્રાણ આપણા માટે આપ્યો. તેથી આપણે ખ્રિસ્તમાં આપણા ભાઈઓ અને બહેનો માટે આપણું જીવન સમર્પણ કરવું જોઈએ.
ધારો કે એક વિશ્વાસી કે જે ખૂબ ધનવાન હોવાથી તેની પાસે જરુંરી બધી જ વસ્તુઓ હોય છે. તે ખ્રિસ્તમાં તેના ભાઈને જુએ છે જે ગરીબ છે અને તેની જરુંરી વસ્તુઓ તેની પાસે નથી. તો પછી જો વિશ્વાસી પાસે વસ્તુઓ હોય અને ગરીબ ને મદદ ન કરે તો શું? પછી જે વિશ્વાસી પાસે જરુંરી વસ્તુઓ છે પરંતુ તેના હૃદયમાં દેવની પ્રીતિ હોતી નથી.
મારાં બાળકો, આપણો પ્રેમ ફક્ત શબ્દોમાં અને વાતોમાં હોવો જોઈએ નહી. ના! આપણો પ્રેમ સાચો પ્રેમ હોવો જોઈએ. આપણે આપણો પ્રેમ આપણાં કાર્યો દ્વારા દર્શાવવો જોઈએ.
મારા વહાલા મિત્રો, જો આપણું અંત:કરણ આપણને દોષિત ન ઠરાવે તો જ્યારે આપણે દેવ પાસે આવીએ છીએ ત્યારે આપણે નિર્ભય થઈ શકીએ છીએ.
અને દેવ આપણને આપણે જે માગીએ તે આપે છે. આપણે આ વાનાં પ્રાપ્ત કરીએ છીએ કેમ કે આપણે દેવની આજ્ઞાઓનું પાલન કરીએ છીએ અને આપણે દેવ પ્રસન્ન થાય તેવાં કામો કરીએ છીએ.
દેવે આપણને જે આજ્ઞા કરી છે તે આ છે કે, ‘આપણે તેના પુત્ર ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરીએ અને આપણે એકબીજાને પ્રેમ કરીએ.” તેણે જે આજ્ઞા કરી છે તે આ છે.
તે વ્યક્તિ જે દેવની આજ્ઞાઓનુ પાલન કરે છે તે દેવમાં રહે છે. અને દેવ તે વ્યક્તિમાં રહે છે. આપણે કેવી રીતે જાણીએ કે દેવ આપણામાં રહે છે? દેવે આપણને જે આત્મા આપ્યો છે તેના કારણે આપણે જાણીએ છીએ.
4
મારા વહાલા મિત્રો, હમણા જગતમાં ઘણા જૂઠા પ્રબોધકો છે. તેથી પ્રત્યેક આત્માઓ પર વિશ્વાસ કરવો નહિ પરંતુ તે આત્માઓ દેવ પાસેથી છે કે નહિ તે પારખી જુઓ.
એથી તમે દેવનો આત્મા ઓળખી શકો છો. આત્મા કહે છે, “હું માનુ છું કે ઈસુ તે ખ્રિસ્ત છે જે પૃથ્વી પર આવ્યો અને માનવ બન્યો.” તે આત્મા દેવ તરફથી છે.
બીજા આત્માએ ઈસુ વિષે આ કહેવાની ના પાડી. તે આત્મા દેવ તરફથી નથી. આ આત્મા ખ્રિસ્તિવિરોધીનો છે. તમે સાભળ્યું છે કે ખ્રિસ્તવિરોધી આવે છે. અને હવે તે ખ્રિસ્તવિરોધી જગતમાં છે.
મારાં વ્હાલાં બાળકો, તમે દેવના છો. તેથી તમે જૂઠા પ્રબોધકો ને હરાવ્યા છે. શા માટે? કારણ કે (દેવ) જે તમારામાં છે તે (શેતાન) જે જગતના લોકોમા છે તેના કરતાં વધારે મોટો છે.
અને પેલા લોકો (જૂઠા પ્રબોધકો) જગતના છે. તેથી જે વાતો તેઓ કહે છે તે જગતની છે. અને જગત તેઓ જે કહે છે તે ધ્યાનથી સાંભળે છે.
પણ આપણે દેવના છીએ. તેથી જે લોકો દેવને જાણે છે તેઓ આપણને ધ્યાનથી સાંભળે છે. પરંતુ જે લોકો દેવના નથી તેઓ આપણને સાંભળતા નથી. આ રીતે આપણે સત્યના આત્માઓને ભ્રાંતિના આત્માઓથી જૂદા તારવી શકીએ છીએ.
વહાલા મિત્રો, આપણે એકબીજાને પ્રેમ કરવો જોઈએ, કારણ કે પ્રેમ દેવ પાસેથી આવે છે. જે વ્યક્તિ પ્રેમ કરે છે તે દેવનુ બાળક બને છે અને દેવને ઓળખે છે.
જે વ્યક્તિ પ્રેમ કરતો નથી તે દેવને આળખતો નથી કેમ કે દેવ પ્રેમ છે.
આ રીતે દેવે તેનો પ્રેમ આપણને બતાવ્યો છે: દેવે તેના એક માત્ર પુત્રને તેના મારફત આપણને જીવન આપવા માટે આ દુનિયામાં મોકલ્યો છે.
સાચો પ્રેમ એ દેવનો આપણા પ્રત્યેનો પ્રેમ છે, આપણે દેવ પર પ્રેમ રાખ્યો એમ નહિ. પણ તેણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણાં પાપનું પ્રાયશ્ચિત થવા માટે મોકલ્યો એમાં પ્રેમ છે.
જો દેવે આપણને આટલો બધો પ્રેમ આપ્યો તો, વહાલા મિત્રો! તેથી આપણે પણ એકબીજાને પ્રેમ કરવો જોઈએ.
કોઈ વ્યક્તિએ હજુ સુધી દેવને જોયો નથી. પણ જો આપણે એકબીજાને પ્રેમ કરીશું, તો દેવ આપણામાં રહે છે. જો આપણે એકબીજાને પ્રેમ કરીએ, તો દેવનો પ્રેમ આપણામાં સંપૂણૅ થયેલો છે.
આપણે જાણીએ છીએ કે આપણે દેવમાં રહીએ છીએ અને દેવ આપણામાં રહે છે. આપણે આ જાણીએ છીએ કેમ કે દેવે આપણને તેનો આત્મા આપ્યો છે.
અમે જોયું છે કે પિતાએ તેના પુત્રને જગતનો તારનાર થવા મોકલ્યો છે. હવે આપણે લોકોને જે કહીએ છીએ તે આ છે.
જો કોઈ વ્યક્તિ કહે કે, “મને વિશ્વાસ છે કે ઈસુ દેવનો પુત્ર છે.” તો દેવ તે વ્યક્તિમાં રહે છે. અને તે વ્યક્તિ દેવમાં રહે છે.
અને તેથી આપણે જાણીએ છીએ કે દેવે આપણને કેટલો બધો પ્રેમ આપ્યો છે. અને આપણે તે પ્રેમ પર વિશ્વાસ કર્યો છે. દેવ પ્રેમ છે. જે વ્યક્તિ પ્રેમમાં રહે છે તે દેવમાં રહે છે, અને દેવ તે વ્યક્તિમાં રહે છે.
જો દેવનો પ્રેમ આપણામાં સંપૂર્ણ થાય તો, પછી જ્યારે દેવ આપણો ન્યાય કરશે તે દિવસે આપણે ભયરહિત રહી શકીશું આપણે નિર્ભય રહીશું, કારણ કે આ જગતમાં આપણે તેના (ખ્રિસ્ત કે દેવ) જેવા છીએ.
જ્યાં દેવનો પ્રેમ છે, ત્યાં ભય નથી. શા માટે? કારણ કે દેવનો સંપૂર્ણ પ્રેમ ભય દૂર કરે છે. દેવની શિક્ષા વ્યક્તિને ભયભીત બનાવે છે. તેથી જે વ્યક્તિમાં ભય છે તેનામાં દેવનો પ્રેમ સંપૂર્ણ થતો નથી.
આપણે પ્રેમ કરીએ છીએ કારણ કે પહેલા દેવે આપણા પર પ્રેમ કર્યો.
જો કોઈ વ્યક્તિ કહે કે: ‘હું દેવને પ્રેમ કરું છું.’ પરંતુ તે વ્યક્તિ ખ્રિસ્તમાં તેના ભાઈ કે બહેનનો દ્ધેષ કરે છે. તો તે વ્યક્તિ જુઠો છે. તે વ્યક્તિ તેના ભાઈને જોઈ શકે છે, છતાં તે તેનો દ્ધેષ કરે છે. તેથી તે વ્યક્તિ દેવને પ્રેમ કરી શકતો નથી, કારણ કે તેણે દેવને કદી જોયો નથી.
અને દેવ આપણને આ આજ્ઞા કરી છે: જે વ્યક્તિ દેવને પ્રેમ કરે છે તેણે ખ્રિસ્તમાં તેના ભાઈઓ અને બહેનોને પણ પ્રેમ કરવો જોઈએ.
5
ઈસુ એ જ ખ્રિસ્ત છે એવો જે કોઈ વિશ્વાસ કરે છે તેઓ દેવનાં છોકરાં છે. જે વ્યક્તિ પિતાને પ્રેમ કરે છે તે પિતાનાં છોકરાંઓને પણ પ્રેમ કરે છે.
આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણે દેવનાં છોકરાંઓને પણ પ્રેમ કરીએ છીએ? આપણે જાણીએ છીએ કેમ કે આપણે દેવને પ્રેમ કરીએ છીએ અને આપણે તેની આજ્ઞાઓનું પાલન કરીએ છીએ.
દેવને પ્રેમ કરવો તેનો અર્થ તેની આજ્ઞાઓનું પાલન કરવું. અને દેવની આજ્ઞાઓ આપણા માટે એટલી બધી કઠિણ નથી.
શા માટે? કારણ કે પ્રત્યેક વ્યક્તિ જે દેવનું બાળક છે તે જગતમાં વિજય મેળવવા શક્તિમાન છે.
તે આપણો વિશ્વાસ છે કે જેણે જગત સામે વિજય મેળવ્યો છે. ફક્ત તે વ્યક્તિ જે વિશ્વાસ કરે છે કે ઈસુ દેવનો દીકરો છે તેના વિના બીજો કોણ જગતને જીતે છે?
જે આવ્યો તે ઈસુ ખ્રિસ્ત છે. ઈસુ પાણી45 સાથે અને રક્ત46 સાથે આવ્યો. ઈસુ માત્ર પાણીથી આવ્યો નથી. ના, ઈસુ પાણી અને રક્ત બંનેથી આવ્યો અને આત્મા આપણને કહે છે કે આ સાચુ છે. આત્મા સત્ય છે.
તેથી ત્યાં ઈસુ વિશે આપણને કહેનારા ત્રણ સાક્ષીઓ છે:
કેમ કે સાક્ષી પૂરનાર ત્રણ છે, એટલે આત્મા, પાણી અને લોહી. આ ત્રણ સાક્ષીઓ છે.
જે વ્યક્તિ દેવના પુત્ર પર વિશ્વાસ રાખે છે તેની પાસે તે સત્ય છે જે દેવે આપણને કહ્યુ છે. જે વ્યક્તિ દેવમાં વિશ્વાસ કરતી નથી તે દેવને જૂઠો પાડે છે. શા માટે? કારણ કે દેવે આપણને તેના પુત્ર વિષે જે કહ્યું તેમાં તે વ્યક્તિ વિશ્વાસ કરતી નથી.
દેવે આપણને કહ્યું છે: દેવે આપણને અનંતજીવન આપ્યું છે. અને આ અનંતજીવન તેના પુત્રમાં છે.
જે વ્યક્તિ પાસે પુત્ર છે તેની પાસે સાચું જીવન છે. પરંતુ જે વ્યક્તિની પાસે દેવનો પુત્ર નથી, તેની પાસે જીવન નથી.
હું આ પત્ર, જે દેવના પુત્રમાં વિશ્વાસ કરે છે એવા તમને લોકોને લખું છું. જેથી તમે જાણશો કે હવે તમારી પાસે અનંતજીવન છે.
આપણે દેવ પાસે શંકા વગર આવી શકીએ છીએ. એનો અર્થ એ છે કે આપણે દેવ પાસે તેની ઈચ્છાનુસાર કંઈ પણ માગીએ તો દેવ આપણને સાંભળે છે.
દરેક વખતે આપણે તેની પાસે માગીએ છીએ ત્યારે દેવ આપણને ધ્યાનથી સાંભળે છે. તેથી આપણે જાણીએ છીએ કે તેની પાસે આપણે જે માગીએ તે વસ્તુઓ તે આપણને આપે છે.
ધારો કે કોઇ વ્યક્તિ ખ્રિસ્તમાં તેના ભાઇ અથવા બહેનને પાપ કરતા જુએ છે (પાપ કે જે મરણકારક નથી) તો તે વ્યક્તિ એ તેની બહેન અથવા ભાઇ જે પાપ કરે છે તેઓના માટે પ્રાર્થના કરવી જોઈએ. પછી ભાઈ કે બહેનને દેવ જીવન આપશે. જેમનું પાપ અનંત મૃત્યુમાં દોરી જતુ નથી એવા લોકો વિશે હું વાત કરું છું. એવું પણ પાપ છે જે મરણકારક છે. તે વિશે હું કહેતો નથી કે પ્રાર્થના કરવી.
ખોટું કરવું તે હંમેશા પાપ છે. પરંતુ એવું પણ પાપ છે જે અનંત મૃત્યુ તરફ દોરી જતું નથી.
આપણે જાણીએ છીએ કે કોઇ પણ વ્યક્તિ જે દેવનો બાળક બન્યો છે તે પાપ કર્યા કરતો નથી. દેવનો પુત્ર દેવના બાળકને સુરક્ષિત રાખે છે. 47 શેતાન પણ તે વ્યક્તિને ઈજા કરી શકતો નથી.
આપણે જાણીએ છીએ કે આપણે દેવના છીએ. પરંતુ શેતાન આખી દુનિયાને કાબુમાં રાખે છે
અને આપણે જાણીએ છીએ કે દેવનો પુત્ર ઈસુ ખ્રિસ્ત આવ્યો છે. દેવના પુત્રએ આપણને સમજ આપી છે. હવે આપણે દેવને ઓળખી શકીએ છીએ. દેવ જે સાચો છે. અને આપણું જીવન તે સાચા દેવ અને તેના પુત્રમાં છે, ઈસુ ખ્રિસ્ત તે જ ખરો દેવ છે, અને તે અનંતજીવન છે.
તેથી, વહાલાં બાળકો, તમારી જાતને જૂઠા દેવોથી દૂર રાખો.
- Holder of rights
- Multilingual Bible Corpus
- Citation Suggestion for this Object
- TextGrid Repository (2025). Gujarati Collection. 1 John (Gujarati). 1 John (Gujarati). Multilingual Parallel Bible Corpus. Multilingual Bible Corpus. https://hdl.handle.net/21.11113/0000-0016-9AFA-1