1

અમારા પ્રિય મિત્ર અને અમારા સહ-કાર્યકર ફિલેમોનને ઉદ્દેશીને આ પત્ર છે. આપણી બહેન આફિયા, અમારા એક સહ-કાર્યકર આર્ખિપસ, અને તારા ઘરમાંની એકત્રીત મંડળી એ સર્વનાં નામ જોગ લખિતંગ.
ખ્રિસ્ત ઈસુનો બંદીવાન પાઉલ તથા આપણો ભાઈ તિમોથી.
દેવ આપણા પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ પ્રાપ્ત થાઓ.
મારી પ્રાર્થનાઓમાં હું તને યાદ કરું છું. અને તારા માટે હું હંમેશા મારા દેવની આભારસ્તુતિ કરું છું.
દેવ અને સર્વ સંતો માટે તને જે પ્રેમ છે અને પ્રભુ ઈસુમાં તને વિશ્વાસ છે, તે વિષે મેં સાંભળ્યું છે. અને તારા એ વિશ્વાસ અને પ્રેમ બદલ હું દેવની આભારસ્તુતિ કરું છું.
મારી પ્રાર્થના છે કે જે વિશ્વાસમાં તું સહભાગી થયો છે તેને લીધે ખ્રિસ્તની દરેક સારી બાબત આપણામાં છે તે આપણને ખ્રિસ્ત તરફ દોરી જાય છે તે સારી બાબત તું સમજી શકીશ.
મારા ભાઈ, તેં દેવના લોકો પ્રત્યે પુષ્કળ પ્રેમ દર્શાવ્યો છે. તેં તેઓને સુખી કર્યા છે. આથી મારા મનને ખૂબ જ આનંદ તથા દિલાસો મળ્યો છે.
એક બાબત છે કે જે તારે કરવાની છે અને ખ્રિસ્તમાં તારા પ્રેમને કારણે તને તે કરવાની આજ્ઞા આપવાની મને છૂટ છે.
મારા પુત્ર સમાન ઓનેસિમસ વિષે હું તને કહું છું. હું જ્યારે કેદમાં હતો ત્યારે તે મારો ધર્મપુત્ર થયો છે.
ભૂતકાળમાં તો તે તારાં માટે નકામો જ હતો. પરંતુ તે હવે આપણા બંને માટે ઉપયોગી બન્યો છે.
હું તારી પાસે તેને પાછો મોકલું છું. મારું પોતાનું હૈયું હું તેની સાથે મોકલું છું.
સુવાર્તાને કારણે હું જ્યારે જેલમાં છું એવા સમયે તે મને મદદરુંપ થાય, એ માટે હું તેને મારી પાસે જ અહીં રાખવા ઈચ્છતો હતો. મને મદદ કરતાં કરતાં એ તારી જ સેવા કરે.
પરંતુ એ માટે તને અગાઉથી પૂછયા વિના કઈ પણ કરવું મને ન ગમે. તારી પર દબાણ કરીને કામ સોંપુ છું એમ નહિ પરંતુ મારા માટે તું જે કંઈ સારું કરે તે તારી સ્વેચ્છાથી થાય એમ હું ઈચ્છું છું.
ઓનેસિમસ થોડા સમય માટે તારાથી છૂટો પડી ગયો હતો, એવું કદાચ એટલા માટે બન્યું કે તે જ્યારે પાછો આવે ત્યારે હંમેશને માટે તારો થઈને રહે.
દાસ તરીકે નહિ, પરંતુ દાસ કરતાં કંઈક વધારે સારો, વહાલા ભાઈ તરીકે હું તેને ખૂબ પ્રેમ કરું છું. પરંતુ તું એને વધારે પ્રેમ કરીશ. કેવળ એક મનુષ્યના રૂપે અને પ્રભુમાં સ્થિર એક ખ્રિસ્તી ભાઈ તરીકે પ્રેમ કરજે.
જો તારા મિત્ર તરીકે તું મને સ્વીકારતો હોય તો, તું ઓનેસિમસને ફરી પાછો અપનાવી લેજે. મારું સ્વાગત કરે તેમ તું એને આવકારજે.
ઓનેસિમસે જો તારા માટે કઈક ખોટું કર્યુ હોય અથવા જો તેણે તારું દેવું કર્યુ હોય, તો તે મારા ખાતે ઉધારજે.
હું પાઉલ છું, અને મારા પોતાના હાથે હું આ લખી રહ્યો છું. ઓનેસિમસનું જે કાંઇ દેવું હોય તે હું ભરપાઈ કરી આપીશ. અને જો કે તારા પોતાના જીવન માટે તું મારો કેટલો ઋણી છું, તે વિશે હું કશું જ નથી કહેતો.
તેથી, મારા ભાઈ, પ્રભુમાં તું મારી માટે કઈક કરી બતાવ. ખ્રિસ્તમાં મારા હ્રદયને તું શાંત કર.
હું તને આ પત્ર લખું છું કારણ મને ખાતરી છે કે હું જે ઇચ્છું છું તે કામ તું કરીશ જ. હું જાણું છું કે હું જે કહું છું તે કરતાં પણ કઈક વધારે કરીશ.
વળી, મારે રહેવા માટે પણ એક ઓરડો તું તૈયાર કરાવી રાખજે. મને આશા છે કે દેવ તારી પ્રાર્થનાઓનો પ્રત્યુતર આપશે અને હું તારી પાસે આવી શકીશ.
ખ્રિસ્ત ઈસુ માટે કેદી બનેલો એપાફ્રાસ પણ મારી સાથે છે. તે તને ક્ષેમકુશળ કહે છે.
વળી માર્ક, અરિસ્તાર્ખસ, દેમાસ અને લૂક પણ તને ક્ષેમકુશળ કહે છે. તેઓ મારી સાથેના કાર્યકરો છે.
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્મા પર થાઓ.

Rechtsinhaber*in
Multilingual Bible Corpus

Zitationsvorschlag für dieses Objekt
TextGrid Repository (2025). Gujarati Collection. Philemon (Gujarati). Philemon (Gujarati). Multilingual Parallel Bible Corpus. Multilingual Bible Corpus. https://hdl.handle.net/21.11113/0000-0016-9AEB-2