1

ખ્રિસ્ત ઈસુના, પ્રેરિત પાઉલ તરફથી, કુશળતા હો હું એક પ્રેરિત છું કારણ કે દેવની એવી ઈચ્છા હતી. આપણો ભાઈ તિમોથી જે ખ્રિસ્તમાં છે તેના તરફથી પણ અભિવાદન. દેવની મંડળી જે કરિંથમાં છે અને આખા અખાયામાંના દેશના દેવના બધાજ લોકોને:
આપણા દેવ પિતા તરફથી તથા ઈસુ ખ્રિસ્ત તમને કૃપા અને શાંતિ પ્રાપ્ત થાઓ.
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ અને પિતાને ધન્ય હો. દેવ પિતા છે જે દયાથી પૂર્ણ છે. તે સર્વ દિલાસાનો બાપ છે.
જ્યારે પણ આપણને મુશ્કેલી નડે ત્યારે તે આપણને દિલાસો આપે છે કે જેથી અન્ય લોકો જેઓને કોઈ પણ જાતની મુશ્કેલીઓ હોય, ત્યારે આપણે તેમને દિલાસો આપી શકીએ. જે રીતે દેવ આપણને જે દિલાસો આપે છે તે જ દિલાસો આપણે તેમને આપી શકીએ.
આપણે ખ્રિસ્તની ધણી પીડાઓમાં ભાગીદાર થઈ શકીએ. એજ રીતે ધણો દિલાસો આપણને ખ્રિસ્ત તરફથી મળે છે.
જો અમને મુશ્કેલીઓ નડે, તો તે મુશ્કેલીઓ તમારા દિલાસા અને તમારા ઉદ્ધાર માટે છે. જો અમને દિલાસો મળે તો તે તમારા દિલાસા માટે છે. અમારા જેવી જ પીડાને ધૈર્ય પૂર્વક સ્વીકારવા માટે આ તમને મદદરૂપ નીવડે છે.
તમારા માટેની અમારી આશા મજબૂત છે. અમે જાણીએ છીએ કે અમારા દુ:ખમાં તમે સહભાગીદાર છો. તેથી અમે જાણીએ છીએ કે અમારા દિલાસામાં પણ તમે ભાગીદાર છો.
ભાઈઓ તથા બહેનો, અમે ઈચ્છીએ છીએ કે આસિયાના દેશમાં અમારે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તેનાથી તમે પરિચિત થાઓ. અમારી શક્તિ કરતાં પણ વધુ એવો એ બોજ હતો. અમે જીવવાની આશા પણ છોડી દીધી હતી.
ખરેખર, અમને અમારા મનમાં તો એમ જ હતું કે અમે મરી જઈશું. પરંતુ આ બન્યું કે જેથી અમે અમારી જાત પર વિશ્વાસ ન કરીએ પણ જે લોકોને મરણમાંથી ઊઠાડે છે તે દેવ પર વિશ્વાસ કરીએ.
મૃત્યુના આ મોટા ભયમાંથી દેવે અમને બચાવ્યા અને દેવ અમને સતત બચાવશે. અમારી આશા તેનામાં છે, અને તે અમને બચાવવાનું ચાલુ રાખશે.
અને પછી ધણા લોકો આભાર માનશે. કારણ કે દેવે તેમની ધણી પ્રાર્થનાઓ દ્વારા આપણને આશીર્વાદ આપ્યા છે. અને તમે તમારી પ્રાર્થનાઓ દ્વારા અમને મદદરૂપ થશો.
અમે આ માટે ગર્વ અનુભવીએ છીએ, અને હું હૃદયપૂર્વક આ સત્ય કહુ છું. અમે દુનિયામાં જે કઈ વસ્તુ કરી છે, તે બધી જ, દેવ પ્રેરિત, પ્રામાણિક અને શુદ્ધ હૃદયથી કરી છે. અને તમારી સાથે અમે જે વસ્તુ કરી છે તે અંગે તો આ વધુ સત્ય છે. અમે દેવની કૃપાથી જ આ કર્યુ, નહિ કે દુનિયાના ડહાપણને કારણે.
અમે તમને એજ વસ્તુ લખીએ છીએ જે તમે વાંચી અને સમજી શકો. અને હું આશા રાખું છું કે તમે સંપૂર્ણ રીતે સમજશો.
જે રીતે અમારા વિષેની કેટલીક બાબતો તમે સમજી ચુક્યા છો. હું આશા રાખું છું કે તમે સમજશો કે તમે અમારા માટે ગર્વ અનુભવી શકો છો, એ જ રીતે જે રીતે, આપણા પ્રભુ ઈસુના પુનરાગમનને દિવસે અમે તમારા માટે ગર્વ અનુભવીશું.
મને આ સર્વ વિષે ખાતરી છે. અને તેથી જ પહેલા તમારી મુલાકાત લેવાની મેં યોજના કરી હતી. પછી તમે બે વખત આશીર્વાદીત થઈ શકો.
મકદોનિયા જતા રસ્તામાં તમારી મુલાકાત લેવાની મારી યોજના હતી. અને પછી પાછા ફરતા ફરીથી તમારી મુલાકાત લેવાની મારી યોજના હતી. મારા યહૂદિયાના પ્રવાસ માટે તમારી મદદ લેવાની મારી ઈચ્છા હતી.
શું તમે એમ માનો છો કે મેં ખરેખર વિચાર્યા વગર તે યોજનાઓ કરી હતી? અથવા કદાચ તમે એમ માનશો કે જે રીતે દુનિયા યોજનાઓ કરે છે એ રીતે મેં યોજનાઓ કરી હશે, કે જેથી હુ, “હા ની હા” કહું અને તે જ સમયે “ના ની ના” પણ કહું.
પરંતુ જો તમે દેવમાં માનતા હો તો, તમે માનશો કે અમે તમને કદી પણ એક જ સમયે “હા” અને “ના” સાથે નથી કહ્યું.
દેવ પુત્ર ઈસુ ખ્રિસ્ત, સિલ્વાનુસ અને તિમોથી અને મેં તમને જે ઉપદેશ આપ્યો તે “હા” અને “ના” નહોતો. ઈસુ ખ્રિસ્તમાં હમેશા “હા” હતી.
દેવના દરેક વચનોની “હા” તે ખ્રિસ્તમાં છે. અને તેથી જ આપણે ખ્રિસ્તના થકી “આમીન” કહીએ છીએ. દેવનો મહિમા થાઓ.
અને દેવ તે એક છે જે આપણને ખ્રિસ્ત થકી તમારી સાથે શક્તિશાળી બનાવે છે. દેવે આપણને તેના વિશિષ્ટ આશીર્વાદ આપ્યા છે.
આપણે તેના છીએ તે સાબિત કરવા તે તેનું અદભૂત ચિહન આપણા ઉપર મૂકે છે. અને તેણે જે વચન આપ્યું છે તે પ્રમાણે તે આપશે તેની ખાતરીરુંપે, તેની સાબિતીરુંપે, તે તેનો આત્મા આપણા હૃદયમાં મૂકે છે.
હું દેવની સાક્ષીએ તમને સત્ય કહું છું. હું કરિંથ પાછો ન આવ્યો તેનું કારણ એ જ હતું કે મારી ઈચ્છા તમને ઈજા પહોંચાડવાની નહોતી.
હું એમ કહેવા નથી માગતો કે અમે તમારા વિશ્વાસને અંકૂશ કરવા માગીએ છીએ. તમે તમારા વિશ્વાસમાં દઢ છો. પરંતુ તમારા સુખ-આનંદ માટેના અમે સહકાર્યકર છીએ.

2

તેથી મેં નિર્ણય લીધો છે કે મારી આગલી મુલાકાત તમને ગમગીન બનાવનાર મુલાકાત નહિ હોય.
જો હું તમને ઉદાસ કરું તો મને આનંદીત કોણ કરશે? માત્ર તમે જ, કે જેમને મે ઉદાસ ન કર્યા, તે જ મને આનંદીત કરી શકે.
મેં તમને પત્ર આ કારણે લખ્યો: કે જેથી હું તમારી પાસે જ્યારે આવું ત્યારે તે લોકોએ મને પ્રસન્ન કરવો જોઈએ તે લોકો દ્વારા હું ઉદાસી ન બનું. મને ખાતરી છે કે તમારામાંના બધા તે જ સુખમાં ભાગીદાર થાઓ કે જે મને મળ્યું છે.
જ્યારે પહેલા મેં તમને લખ્યું હતું, ત્યારે મારા હૃદયમાં હું ઘણો જ વ્યથીત અને દુઃખી હતો. મેં ઘણાં અશ્રું સહિત લખ્યું હતું. મેં તમને દુઃખી કરવા નહોતું લખ્યું. તમે જાણી શકો કે હું તમને કેટલો પ્રેમ કરું છું, તેથી મેં લખ્યું હતું.
તમારા સમૂહની એક વ્યક્તિએ દુઃખ ઊભુ કર્યુ છે. તેણે મને જ દુઃખ પહોંચાડ્યું નથી, પરંતુ તમારામાંના સર્વને તે રીતે દુઃખ પહોંચાડ્યું છે; હું સમજું છું કે તેણે સર્વને આ દુઃખ પહોંચાડ્યું છે.
મોટા ભાગના તમારા સમૂહે તેને જે શિક્ષા કરી છે તે તેને માટે પૂરતી છે.
પરંતુ હવે તમારે એને માફ કરવો જોઈએ અને દિલાસો આપવો જોઈએ. આમ કરવાથી તેને વધુ પડતું દુઃખ નહિ થાય અને તે સંપૂર્ણરીતે ભાંગી નહિ પડે.
જેથી હું તમને વિનંતી કરું છું કે, તેને તમારો પ્રેમ દર્શાવો.
મેં તમને આ કારણે લખ્યું હતું. મારે તમારી પરીક્ષા કરવી હતી અને જોવું હતું કે દરેક બાબતમાં તમે આદેશનું પાલન કરો છો કે નહિ.
જો તમે એક વ્યક્તિને માફ કરશો, તો હું પણ તે વ્યક્તિને માફ કરીશ. અને મેં જે માફ કર્યુ છે-જો મારે કાંઈ માફ કરવા જેવું હશે-તો તે તમારા માટે, અને મારામાં રહેતા ખ્રિસ્તની સમક્ષ મેં માફ કર્યુ છે.
મેં આમ કર્યુ કે જેથી શેતાન આપણી પાસેથી કશું જીતી શકે નહિ. શેતાનની યોજનાઓ કઈ છે તે આપણે બરાબર જાણીએ છીએ.
ખ્રિસ્તની સુવાર્તાનો ઉપદેશ આપવા હું ત્રોઆસ ગયો હતો. પ્રભુએ મને ત્યાં ઉત્તમ તક આપી.
પરંતુ મારા ભાઈ તિતસને ત્યાં નહિ જોતાં મને અશાંતિ થઈ. તેથી મેં ત્યાંના લોકોની વિદાય લીધી અને મકદોનિયા ગયો.
પરંતુ દેવની સ્તુતિ થાઓ. ખ્રિસ્ત થકી દેવ હંમેશા આપણને વિજયી કરીને દોરી જાય છે. દેવ તેના જ્ઞાનના મધુર સુંગંધીત અત્તરની સુવાસની જેમ બધે ફેલાવવામાં આપણો ઉપયોગ કરે છે.
જે લોકોનું તારણ થયું છે અને જે લોકો ભટકી ગયા છે તેમના માટે આપણે ખ્રિસ્તની મીઠી સુગંધરૂપ છીએ, જે આપણે દેવને અર્પણ કરીએ છીએ.
જે લોકો ભટકી ગયા છે તેમને માટે આપણે મૃત્યુની દુર્ગંધ છીએ એ દુર્ગંધ જે મૃત્યુ લાવે છે. પરંતુ જે લોકોનું તારણ થયું છે. તેમને માટે આપને જીવનની ફોરમ છીએ જે ફોરમ જીવન લાવે છે. તો આ કામ કરવા માટે કોણ યોગ્ય છે?
જે રીતે બીજા લોકો કરે છે તેમ દેવના વચનને આપણે નફા માટે વેચતા નથી. ના! પરંતુ ખ્રિસ્તમાં આપણે દેવ સમક્ષ વફાદારીથી બોલીએ છીએ. જે રીતે દેવ તરફથી મોકલેલ માણસ બોલે તે રીતે આપણે બોલીએ છીએ.

3

શું ફરીથી આપણે આપણા વિષે બડાઈ મારવાનું શરું કરી રહ્યા છીએ? શું અમારે તમારા માટે કે તમારા તરફથી ઓળખપત્રની જરૂર છે? જે રીતે બીજા લોકોને હોય છે?
તમે પોતે જ અમારો પત્ર છો. પત્ર અમારા હૃદયરૂપી પટો પર અંકિત થયો છે. તે બધાથી વિદીત છે અને દરેક વ્યક્તિ તે વાંચે છે.
તમે બતાવ્યું છે કે તમે ખ્રિસ્ત તરફથી મોકલેલો પત્ર છો કે જે તેણે અમારી મારફતે મોકલ્યો છે. આ પત્ર શાહીથી નહિ પરંતુ જીવતા દેવના આત્માથી લખાયેલો છે; તે શિલાપટો પર નથી લખાયો પરંતુ માનવ હૃદય પર લેખિત થયો છે.
અમે આમ કહી શકીએ છીએ, કારણ કે ખ્રિસ્ત થકી અમે દેવ સમક્ષ ખાતરી અનુભવીએ છીએ.
હું એમ નથી સમજતો કે અમે અમારી જાતે જે કાંઈ સારું છે તે કરવા અમે શક્તિમાન છીએ. તે દેવ એક છે જે આપણે કરીએ છીએ તે કરવાને આપણને શક્તિમાન બનાવે છે.
દેવે જ અમને દેવ તરફથી તેના લોકોને પ્રાપ્ત થયેલા નવા કરારના સેવક બનવાને શક્તિમાન બનાવ્યા છે. આ નવો કરાર તે લેખિત નિયમ નથી તે આત્માનો છે. લેખિત નિયમ મૃત્યુ લાવે છે, પરંતુ આત્મા જીવન બક્ષે છે.
સેવા જે મૃત્યુ લાવે છે તેના શબ્દો પથ્થર પર લખાયેલા હતા. તે દેવના મહિમા સાથે આવ્યા હતા. મૂસાના મુખ પરંતુ તેજ મહિમાથી એટલું પ્રકાશવાન હતું કે ઈસ્રાએલ ના લોકો સતત તેની સામે જોઈ શક્યા નહોતા. અને તે મહિમા પછીથી અદશ્ય થઈ ગયો હતો.
નિશ્ચિત રીતે, જે સેવા આત્માનું અનુગમન કરાવે છે તેનો મહિમા તો આનાથી પણ મહાન થશે.
મારું કહેવું આમ છે: કે સેવા લોકોને તેમના પાપના અનુસંધાનમાં મૂલવતી હતી, પરંતુ તે મહિમાવંત હતી. તેટલી જ નિશ્ચિતતાથી જે સેવા લોકોને દેવને અનુરુંપ બનાવે છે, તેનો મહિમા વધુ ઉત્કૃષ્ટ છે.
તે જૂની સેવાનો મહિમા છે. પરંતુ નવી સેવાના વધારે અધિક મહિમાવાન સાથે સરખાવતા તેના મહિમાનો ખરેખર છેદ થયો.
મહિમા સાથે આવેલી જે સેવા અદશ્ય થવાની હતી, પછી તો આ સેવા જે અવિનાશી છે તેનો મહિમા વિશેષ છે.
આપણી આ અભિલાષાને લીધે તો આપણે વધારે હિંમતવાન બની શકીએ છીએ.
આપણે મૂસા જેવા નથી. તેણે તો તેના મુખ પર મુખપટ નાખ્યું હતું. મૂસાએ તેનું મુખ ઢાંકી દીધું હતું કે જેથી ઈસ્રાએલ લોકો તે જોઈ ના શકે. મહિમા નું વિલોપન થઈ રહ્યું હતું, અને મૂસા નહોતો ઈચ્છતો કે તે લોકો તેનો અંત જુએ.
પરંતુ તેઓના માનસપટ બંધ હતાં-તેઓ સમજી શક્યા નહિ. આજે પણ જ્યારે તેઓ જૂના કરારનું વાંચન કરે છે ત્યારે એ જ આવરણ અર્થને ઢાંકી દે છે. તે આવરણ હજુ પણ દૂર કરાયુ નથી. તે માત્ર ખ્રિસ્ત દ્વારા દૂર કરાય છે.
પરંતુ આજે પણ જ્યારે આ લોકો મૂસાના નિયમનું વાંચન કરે છે, ત્યારે તેઓનું માનસપટ આચ્છાદિત છે.
પરંતુ જ્યારે વ્યક્તિ પરિવર્તીત થાય છે અને પ્રભુને અનુસરે છે, ત્યારે તે આચ્છાદન દૂર થાય છે.
પ્રભુ તે આત્મા છે. અને જ્યાં દેવનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે.
અને આપણા મુખ આચ્છાદિત નથી. આપણે સર્વ દેવનો મહિમા પ્રદર્શિત કરીએ છીએ. આપણે તેના જેવા થવા માટે પરિવર્તીત થયા છીએ. આ પરિવર્તન આપણામાં વધુ ને વધુ મહિમાનું પ્રદાન કરે છે. આ મહિમા પ્રભુ તરફથી આવે છે, જે આત્મા છે.

4

દેવે આપણને તેની દયાથી અમને આ કામ સોંપ્યું છે. તેથી અમે તેને છોડી દેતા નથી.
પરંતુ અમે રહસ્યમય અને લજજાસ્પદ રીતોથી વિમુખ થયા છીએ. અમે કાવતરાંનો ઉપયોગ કરતા નથી, અને દેવના ઉપદેશમાં કશો ફેરફાર કરતા નથી. ના! અમે ફક્ત સત્યનો જ સ્પષ્ટતાથી ઉપદેશ કરીએ છીએ. અને આ રીતે અમે કોણ છીએ તે લોકોને દર્શાવીએ છીએ અને આ રીતે તેઓના હૃદયમાં તેઓ જાણે કે દેવ સમક્ષ અમે કેવા લોકો છીએ.
સુવાર્તા જે અમે પ્રગટ કરીએ છીએ તે કદાચ ગૂઢ હોઈ શકે. પરંતુ જે લોકો ભટકી ગયા છે તેમને માટે જ તે ગૂઢ છે.
આ જગત (શેતાન) ના શાસકે જેઓ વિશ્વાસુ નથી તેઓનાં માનસને અંધ કરી દીધાં છે. તેઓ સુવાર્તાના પ્રકાશ (સત્ય) ને જોઈ શકતા નથી; એ સુવાર્તા જે ખ્રિસ્તના મહિમા વિષે છે. ખ્રિસ્ત એ એક છે, જે આબેહૂબ દેવ સમાન છે.
અમે અમારા વિષે ઉપદેશ નથી આપતા. પરંતુ અમે ઉપદેશ આપીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત તે પ્રભુ છે; અને અમે ઉપદેશ આપીએ છીએ કે ખ્રિસ્ત થકી અમે તમારા સેવકો છીએ.
દેવે એકવાર કહ્યું હતું, “અંધકારમાં જ્યોતિ પ્રગટશે!” અને આ એ જ દેવ છે જેનો પ્રકાશ આપણા હૃદયમાં ચમકે છે. ઈસુ ખ્રિસ્તના મોં પર દેવનો જે મહિમા છે તે વિષેના જ્ઞાનનું આપણને પ્રદાન કરીને દેવે આપણને આ જ્યોતિનું અનુદાન કર્યુ છે.
આ ખજાનો અમને દેવ તરફથી મળ્યો છે. પરંતુ અમે તો માત્ર માટીનાં પાત્રો જેવા છીએ જે આ ખજાનાને ગ્રહણ કરે છે. આ બતાવે છે કે આ પરાક્રમની અધિકતા દેવ અર્પિત છે, અમારી નથી.
અમે ચારેબાજુ મુશ્કેલીઓથી ઘેરાયેલા છીએ. પરંતુ અમે હાર્યા નથી. ધણીવાર શું કરવું તે અમે જાણતા નથી. પરંતુ અમે હતાશ થતા નથી.
ધણીવાર અમે પીડિત થયા છીએ, પરંતુ દેવે અમારો ત્યાગ નથી કર્યો. ધણીવાર અમે ધવાયા છીએ પરંતુ અમારો સર્વનાશ નથી થયો.
અમારા શરીરમાં ઈસુનું મરણ છે. અમે આ મરણ સદા ઊંચકીને ફરીએ છીએ કે જેથી ઈસુનું જીવન પણ અમારા શરીરમાં પ્રતિબિંબિત થાય.
અમે જીવિત છીએ, પરંતુ ઈસુ માટે હંમેશા અમે મરણનો સામને કરીએ છીએ. અમારી સાથે આમ થયું કે જેથી અમારા ક્ષણભંગુર શરીરમાં ઈસુનું જીવન પ્રતિબિંબિત થાય.
મરણ અમારામાં કાર્યશીલ છે. પરંતુ જીવન તમારામાં કાર્યશીલ છે.
શાસ્ત્રલેખમાં લખ્યું છે કે, “હું બોલું છું, કારણ કે મને વિશ્વાસ છે.” અમારી પાસે પણ વિશ્વાસનો આત્મા છે તેથી અમે બોલીએ છીએ.
દેવે પ્રભુ ઈસુને મરણમાંથી ઊઠાડયો અને અમે જાણીએ છીએ કે દેવ અમને પણ ઈસુની સાથે ઊઠાડશે. દેવ અમને તમારી સાથે ભેગા કરશે, અને આપણે તેની સમક્ષ ઉપસ્થિત થઈશું.
આ બધી વસ્તુ તમારા માટે છે અને તેથી દેવની કૃપા વધુ ને વધુ લોકોને આપવામાં આવી છે. આ વાત દેવના મહિમાને અર્થે વધુ ને વધુ આભારસ્તુતિ કરાવશે.
તેથી અમે ક્યારેય પણ નિર્બળ થતા નથી. અમારો ભૌતિક દેહ વધારે વૃદ્ધ અને દુર્બળ થાય છે. પરંતુ અમારું આંતરિક મનુષ્યત્વ રોજ રોજ નવું થતું જાય છે.
થોડા સમય માટે અત્યારે અમને સામાન્ય વિપત્તિઓ છે, પરંતુ આ વિપત્તિઓ અનંત મહિમા સદાય માટે પ્રાપ્ત કરવામાં અમને મદદરૂપ થાય છે. આ અનંત મહિમા મુશ્કેલીઓ કરતાં વધારે ઉન્નત છે.
અમે તે વસ્તુનો વિચાર કરીએ છીએ જે જોઈ શકાતી નથી જે વસ્તુ અમે જોઈએ છીએ તે ક્ષાણિક છે. અને જે વસ્તુ અમે જોઈ શકતા નથી તેનું સાતત્ય અનંત છે.

5

અમે જાણીએ છીએ કે અમારું શરીર-માંડવો કે જેની અંદર અમે આ પૃથ્વી ઉપર રહીએ છીએ-તે નાશ પામશે. પરંતુ જ્યારે આમ થશે ત્યારે અમારે રહેવાનું ઘર દેવ પાસે હશે. તે માનવર્સજીત ઘર નહિ હોય. તે અવિનાશી નિવાસસ્થાન સ્વર્ગમાં હશે.
પરંતુ આ શરીરમાં અમે નિસાસા નાખીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે દેવ હવે અમને સ્વર્ગીય નિવાસસ્થાન આપે.
તે અમને વસ્ત્રો પહેરાવશે કે જેથી અમે નગ્ન ન રહીએ.
જ્યાં સુધી અમે આ માંડવામાં રહીએ છીએ, કષ્ટ અને ફરિયાદો અમારી સાથે રહેવાની. હું એમ નથી કહેતો કે અમારે આ માંડવો દૂર કરવો છે. પરંતુ અમારે સ્વર્ગીય આવાસનાં વસ્ત્રો પરિધાન કરવાં છે, પછી આ મૃત્યાધીન શરીર, જીવનથી આચ્છાદિત થશે.
આ માટે દેવે અમારું સર્જન કર્યુ છે. અને તે અમને નવજીવન આપશે. તેની ખાતરીરૂપે તેણે અમને આત્માનું પ્રદાન કર્યુ છે.
તેથી હમેશા અમારામાં હિંમત હોય છે. અમે જાણીએ છીએ કે જ્યાં સુધી અમે આ શરીરમાં જીવીએ છીએ ત્યાં સુધી અમે પ્રભુથી દૂર છીએ.
અમે અમારા વિશ્વાસથી જીવીએ છીએ. નહિ કે જે દશ્ય છે તેનાથી.
તેથી અમને ભરોસો છે. અને ખરેખર અમે આ શરીરથી વિચ્છિત થઈને પ્રભુની પાસે વાસો કરવા ઈચ્છીએ છીએ.
અમારો ધ્યેય દેવને પ્રસન્ન કરવાનો છે. આપણે શરીરમાં હોઈએ કે દેવની સાથે હોઈએ, અમે તેને પ્રસન્ન કરવા ઈચ્છીએ છીએ.
આપણે બધાએ ખ્રિસ્તની સામે ન્યાય માટે ઉપસ્થિત થવું જ પડશે. તેને જે મળવું જોઈએ તે દરેક વ્યક્તિને મળશે. જ્યારે તે તેના ભૌતિક શરીરમાં જીવતો હતો ત્યારે તેણે જે કઈ સારું ખરાબ કર્યુ હશે તે પ્રમાણે પ્રત્યેક વ્યક્તિનો ન્યાય થશે.
પ્રભુના ભયનો અર્થ શું છે તે અમે જાણીએ છીએ. જેથી લોકો સત્યને સ્વીકારે તે માટે મદદરૂપ થવા અમે પ્રયત્ન કરીએ છીએ. દેવ જાણે છે કે અમે ખરેખર શું છીએ. અને મને આશા છે કે તમારા અંતરમાં તમે અમને પણ જાણો છો.
અમે ફરીથી અમારી જાતને તમારી આગળ પ્રમાણિત કરવા નથી માંગતા. પરંતુ અમે અમારા વિષે માત્ર તમને જણાવવા માગીએ છીએ. તમે અમારા માટે ગર્વ અનુભવો તે માટે તમને કારણો આપવા માંગીએ છીએ. પછી તમારી પાસે ઉત્તર આપવા કઈક હશે જેઓને દશ્યમાન વસ્તુઓ માટે અભિમાન છે તે લોકો વ્યક્તિના અંતરમાં શું છે, તેની દરકાર કરતા નથી.
જો અમે ઘેલા છીએ, તો તે દેવના માટે છીએ. જો અમારું મગજ સ્થિર છે, તો તે તમારા માટે છે.
ખ્રિસ્તનો પ્રેમ અમને અંકૂશમાં રાખે છે. શા માટે? કારણ કે અમે જાણીએ છીએ કે તે એક બધા માટે મૃત્યુ પામ્યો છે. તેથી જ બધા મૃત્યુ પામ્યા.
ખ્રિસ્ત સર્વ લોકો માટે મરણ પામ્યો કે જેથી જે લોકો જીવે છે તેઓ પોતાના માટે જ ન જીવે. તે તેઓને માટે મૃત્યુ પામ્યો અને તે મૃત્યુમાંથી સજીવન થયો. તેથી તે લોકો તેના માટે જીવે.
તેથી આ સમયથી જે રીતે દુનિયા લોકો વિષે વિચારે છે તે રીતે અમે કોઈ પણ એક વ્યક્તિ વિષે વિચારતા નથી. તે સાચું છે કે ભૂતકાળમાં જે રીતે દુનિયા વિચારે છે તે રીતે અમે ખ્રિસ્ત વિષે વિચાર્યુ. પરંતુ હવે અમે તે રીતે વિચારતા નથી.
જે વ્યક્તિ ખ્રિસ્તમય છે તે નવોદિત છે, તે એક નવું સર્જન છે. જૂની વસ્તુનો વિસય થયો છે, બધું જ નવોદિત છે!
આ બધુંજ દેવ તરફથી દેવ થકી છે. દેવે તેની અને અમારી વચ્ચે સુલેહ કરી છે. અને લોકોને દેવ સાથે સુલેહ કરવાનું કામ દેવે અમને સોંપ્યું છે.
હું સમજુ છું કે ખ્રિસ્ત ઈસુમાં દેવ હતો અને વિશ્વ અને પોતાની વચ્ચે સુલેહ શાંતિ કરતો હતો. ખ્રિસ્તમય લોકોને તેઓના પાપ માટે દેવે દોષિત ન ઠરાવ્યા. અને શાંતિનો આ સંદેશ બધા લોકો માટે તેણે અમને આપ્યો.
તેથી ખ્રિસ્ત વતી ઉદબોધન કરવા અમને મોકલવામાં આવ્યા છે. જાણે કે અમારા થકી દેવ લોકોને વિનંતી કરે છે. જ્યારે અમે તમને દેવ સાથે સુલેહ કરવાનું વિનવીએ છીએ ત્યારે અમે ખ્રિસ્ત વતી જ બોલીએ છીએ.
ખ્રિસ્ત નિષ્પાપી હતો, માટે જેણે પાપ જાણ્યું નહોતું તેને તેણે આપણે માટે પાપરૂપ કર્યો. દેવે આમ અમારાં માટે કર્યુ કે જેથી અમે ખ્રિસ્તમાં દેવ સાથે સત્યનિષ્ઠ બની શકીએ.

6

દેવ સાથે આપણે સહકાર્યકર છીએ. તેથી અમે તમને અરજ કરીએ છીએ. દેવ તરફથી તમને જે કૃપા મળી છે તેને વ્યર્થ ન જવા દેશો.
દેવ કહે છે કે, “યોગ્ય સમયે મેં તમને સાંભળ્યા, અને તારણના દિવસે મેં તમને મદદ કરી.” યશાયા 49:8 હું તમને કહું છું કે, “યોગ્ય સમય” હમણાં છે. અને “તારણનો દિવસ” પણ હમણાં છે.
અમે નથી ઈચ્છતા કે લોકો અમારા કાર્યમાં કશી ક્ષતિ જુએ. જેથી અન્ય લોકો માટે સમસ્યારૂપ બને તેવું અમે કશું જ કરતા નથી.
પરંતુ બધા જ સંજોગોમાં હું દર્શાવવાનો પ્રયત્ન કરું છું કે અમે દેવના સેવકો છીએ: આપત્તિમાં મુશ્કેલીમાં અને ગંભીર સમસ્યાઓમાં, ઘણી કઠિન વસ્તુઓનો સ્વીકાર કરીને.
જ્યારે અમને મારવામાં આવ્યા છે અને જેલમાં પૂરવામાં આવ્યા છે. જ્યારે લોકો બેચેન થઈ જાય છે અને અમારી સાથે ઝઘડે છે, જ્યારે અમે સખત કામ કરીએ છીએ અને જ્યારે અમને આહાર કે નિંદ્રા મળતાં નથી.
અમારી સમજશક્તિથી, અમારા ધૈર્યથી, અમારી મમતાથી અને અમારા નિર્મળ જીવનથી અમે દર્શાવીએ છીએ કે અમે દેવના સેવકો છીએ. પવિત્ર આત્મા થકી, સાચા પ્રેમ થકી,
સત્ય કહેવાથી, અને દેવના પરાક્રમથી, અમે અમારા ન્યાયી રીતે જીવવાના માર્ગનો ઉપયોગ અમારા વિરૂદ્ધની દરેક વસ્તુથી અમારી જાતને બચાવવા અમે કરીએ છીએ.
કેટલાએક લોકો અમને માન આપે છે, પરંતુ બીજા લોકોથી અમે શરમિંદા થઈએ છીએ. કેટલાએક લોકો અમારા વિષે સારું બોલે છે, પરંતુ બીજા કેટલાએક લોકો અમારા વિષે ખરાબ બોલે છે. કેટલાએક લોકો કહે છે કે અમે જૂઠા છીએ, પરંતુ અમે સત્ય બોલીએ છીએ.
કેટલાએક લોકો અમારાથી અજાણ્યા છે, પરંતુ અમે ખૂબ જાણીતા છીએ. અમે મૃતપ્રાય: દેખાઈએ છીએ, પરંતુ જુઓ! અમે જીવી રહ્યા છીએ. અમને શિક્ષા થઈ છે. પરંતુ માર્યા નથી ગયા.
અમારામાં ઘણો જ વિષાદ છે, પરંતુ અમે કાયમ પ્રફૂલ્લિત રહીએ છીએ, અમે દરિદ્ર છીએ, પરંતુ ઘણા લોકોને અમે વિશ્વાસમાં સમૃદ્ધ બનાવ્યા છે. અમારી પાસે કશું જ નથી, પરંતુ વાસ્તવમાં અમારી પાસે બધું જ છે.
ઓ કરિંથના લોકો, તમારા લોકોની સાથે અમે મુક્ત રીતે વાતો કરી. અમે અમારું હૈયું તમારી આગળ ખોલ્યું.
તમારા પ્રત્યેની અમારી સ્નેહની લાગણી અટકી નથી ગઈ. તમે લોકોએ અમારા પ્રત્યેની તમારા પ્રેમની લાગણીએ ગુંગળાવી નાખી છે.
તમે મારાં બાળકો છો તે રીતે હું તમારી સાથે વાત કરું છું. જે રીતે અમે કર્યુ. તે રીતે તમે કરો, તમારા અંતરને પણ મુક્ત અને વિશાળ કરી દો.
જે લોકો અવિશ્વાસી છે તેવા તમે નથી. તેથી તેઓની સોબત ન રાખો. સારા અને નરસાનું સહઅસ્તિત્વ નથી હોતું. પ્રકાશને અંધકાર સાથે સંગત ન હોઈ શકે.
ખ્રિસ્ત અને શેતાન વચ્ચે કોઈ કરાર કેવી રીતે હોઈ શકે? વિશ્વાસીને અવિશ્વાસી સાથે શો ભાગ હોય?
દેવના મંદિર અને મૂર્તિઓ વચ્ચે કોઈ જાતનો કરાર હોઈ શકે? આપણે જીવતા દેવનું મંદિર છીએ, જેમ દેવ કહે છે કે: “હું તેઓની સાથે જીવીશ અને તેઓની સાથે ચાલીશ, હું તેઓનો દેવ થઈશ, અને તેઓ મારા લોક થશે.” લેવીય 26:11-12
“તેથી તે લોકોથી વિમુખ થાઓ અને તમારી જાતને તેઓનાથી જુદી તારવો, એમ પ્રભુ કહે છે. જે કઈ નિર્મળ નથી તેનો સ્પર્શ ન કરો, અને હું તમને અપનાવીશ.” યશાયા 52:11
“હું તમારો પિતા થઈશ, અને તમે મારા દીકરા દીકરીઓ થશો, એમ સર્વશક્તિમાન પ્રભુ કહે છે.” 2 શમુએલ 7:14, 7:8

7

પ્રિય મિત્રો, દેવ તરફથી આપણને આ વચનો મળ્યાં છે. તેથી આપણે આપણી જાતને નિર્મળ બનાવવી જોઈએ-કોઈ પણ વસ્તુ જે શરીર કે આત્માને મલિન બનાવે, આપણે તેનાથી મુક્ત જીવન પદ્ધતિમાં યથાર્થ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે આપણે દેવનો આદર કરીએ છીએ.
તમારા હૃદય અમારા પ્રતિ ખોલો. અમે કોઈ વ્યક્તિનું કશું ખરાબ નથી કર્યુ. અમે કોઈ પણ વ્યક્તિના વિશ્વાસનો ધ્વંસ નથી કર્યો, અને અમે કોઈ વ્યક્તિને છેતરી નથી.
હું તમારા પર આક્ષેપ મૂકવા આ કહેતો નથી. મેં તમને પહેલા કહ્યું છે તેમ. અમે તમને એટલો બધો પ્રેમ કરીએ છીએ કે તમારી સાથે જીવવા કે મરવા અમે તૈયાર છીએ.
તમારા માટે હું નિશ્ચિતતા અનુભવું છું. હું તમારા માટે ઘણો ગર્વ અનુભવું છું. તમે મને ઘણી હિંમત આપી છે. અને અમારી બધી જ મુશ્કેલીઓમાં મને ઘણો આનંદ મળ્યો છે.
જ્યારે અમે મકદોનિયા આવ્યા ત્યારે અમને આરામ મળ્યો નહિ, અમે મુશ્કેલીઓથી ઘેરાયેલા હતા. બાહ્ય રીતે લડાઈઓ હતી, પરંતુ આંતરીક રીતે અમે ભયભીત હતા.
પરંતુ જે લોકો મુશ્કેલીમાં હોય છે તેમને દેવ સહારે આપે છે. અને જ્યારે તિતસ આવ્યો ત્યારે દેવે અમને સહારો આપ્યો.
તેના આવવાથી અને તમે એને જે દિલાસો આપેલો તેનાથી અમને આશ્વાસન મળ્યું હતું. મને મળવાની તમારી ઈચ્છા વિષે તિતસે મને કહ્યું. તેણે કહ્યું કે તમે જે કર્યુ છે, તે માટે તમે ખૂબ જ દિલગીર છો અને તમે મારી ખૂબ જ દરકાર કરો છો. તે વિષે તિતસે મને કહ્યું. મેં જ્યારે આ સાંભળ્યું ત્યારે, હું વધુ રાજી થયો.
મારા પત્રથી તમને દુઃખ થાય તો પણ તે લખવા માટે હું દિલગીર નથી. મને ખબર છે કે તે પત્રએ તમને દુઃખ આપ્યું છે. અને તે માટે હું દિલગીર છું. પરંતુ તેનાથી તમને દુઃખ થયું માટે જ વ્યથિત થયા.
હવે મને આનંદ થયો છે કારણ કે તમારા દુઃખે તમને તમારું હૃદય પરિવર્તન કરાવ્યું છે. દેવ ઈચ્છતો હતો તે રીતે તમે દિલગીર થયા. ગમે તેમ પણ અમારા કારણે તમને કોઈ નુક્સાન થયું નહિ.
દિલગીલ થવું એટલે કે જેમ દેવ ઈચ્છે છે તેમ કોઈ એક વ્યક્તિને પસ્તાવો થાય તેના જેવું છે. આ વ્યક્તિને તારણ તરફ લઈ જાય છે, અને તે માટે અમે દિલગીર થઈ શકીએ નહિ, પરંતુ જે પ્રકારની વ્યથા દુનિયાની છે, તે મૃત્યુ લાવશે.
જેવી દેવની ઈચ્છા હતી તેવી વ્યથા તમારી હતી. હવે જુઓ કે તે વ્યથા તમને શું પ્રદાન કરે છે: તે વ્યથા તમારામાં ઘણી ગંભીરતા લાવી. તમે ખોટા ન હતા તેવું પૂરવાર કરવાની તેણે તમને પ્રેરણા આપી. તેણે તમને ક્રોધિત તેમજ ભયભીત બનાવ્યા. મને મળવા માટે તેણે તમને પ્રેરણા આપી. તેણે તમને વધારે સમર્પિત બનાવ્યા. તેણે તમને ન્યાયી બાબત કરવાની ઈચ્છાવાળા બનાવ્યા. તમે સાબિત કર્યુ કે તમે આ બાબતમાં સંપૂર્ણ નિર્દોષ હતા.
કોઈ એકે ખોટું કર્યુ, તેના કારણે મેં એ પત્ર નહોતો લખ્યો. અને જે વ્યક્તિ વ્યથિત થયેલી તેના માટે પણ તે નહોતો લખાયો. પરંતુ મેં તે પત્ર લખ્યો કે જેથી, દેવની સમક્ષ તમે જોઈ શકો કે તમે અમારા માટે ઘણી કાળજી રાખી છે.
અને તેથી જ અમને દિલાસો મળ્યો. અમને ઘણો જ દિલાસો પ્રાપ્ત થયો અને અમને એ જોઈને ખરેખર વધુ આનંદ થયો. કે તિતસ ઘણો જ આનંદિત હતો. તમે બધાએ એને ખૂબ જ સારી લાગણી કરાવી.
તિતસ આગળ મેં તમારા વખાણ કર્યા હતાં. અને તમે સાબિત કરી આપ્યું કે હું સાચો હતો. બધી જ વસ્તુ અમે જે તમને કહી તે સત્ય હતી. અને તમે તે સાબિત કરી આપ્યું કે અમે જે બધી બડાશો તિતસ આગળ મારી હતી તે સાચી છે.
અને જ્યારે એ યાદ કરે છે કે તમે બધા પાલન કરવા તૈયાર છો ત્યારે તેનો તમારા પ્રત્યેનો પ્રેમ વધુ સુદૃઢ બને છે. તમે તેને માન અને ભયથી આવકાર્યો.
મને ઘણો આનંદ છે કે હું તમારામાં સંપૂર્ણ વિશ્વાસ મૂકી શકું તેમ છું.

8

અને હવે, મારા ભાઈઓ અને બહેનો, મકદોનિયાની મંડળીઓ પર દેવની જે કૃપા છે તે વિષે અમે તમને જણાવવા ઈચ્છીએ છીએ.
કઠિન મુશ્કેલીઓથી તે વિશ્વાસીઓનું પરીક્ષણ થયું હતું. અને તેઓ ઘણા જ દરિદ્ર લોકો છે. પરંતુ તેમના ઉન્મત આનંદને કારણે તેઓએ મોટી ઉદારતાથી આપ્યું.
હું તમને કહી શકુ કે તેઓમાં જેટલી શક્તિ હતી, જે તેઓએ અર્પણ કર્યુ તે તેઓને પોષાય તેના કરતાં પણ વધુ તેઓએ આપ્યું. આ સ્વૈચ્છિક રીતે કર્યુ. આમ કરવાને કોઈ વ્યક્તિએ તેમને કહ્યું નહોતું.
પરંતુ તેઓએ અમને વારંવાર પૂછયું-તેઓએ દેવના ભક્તોની સેવામાં ભાગીદાર થવા અમને આજીજી કરી.
અમે અપેક્ષા નહોતી રાખી તે રીતે તેમણે આપ્યું. પોતાનું ધન આપતા પહેલા પોતાની જાતને તેઓએ પ્રભુને અને અમને સમર્પિત કરી. દેવ આવું ઈચ્છે છે.
તેથી કૃપાના આ ભલાઈના વિશિષ્ટ કાર્યને પૂર્ણ કરવામાં તમને મદદરૂપ થવા અમે તિતસને કહ્યું. તિતસે જ સૌ પ્રથમ આ કાર્યનો પ્રારંભ કર્યો.
તમે ઘણી વસ્તુઓમાં-વિશ્વાસમાં, વાણીમાં, જ્ઞાનમાં, અને ખરેખર મદદ કરવામાં, અને અમારી પાસે શીખ્યા તે પ્રેમમાં સમૃદ્ધ છો. અને તેથી આપવાના કૃપા દાનમાં પણ તમે સમૃદ્ધ બનો તેવી અમે આશા રાખીએ છીએ.
આપવા માટેનો હું તમને આદેશ નથી આપતો. પરંતુ તમારો પ્રેમ સાચો પ્રેમ છે કે કેમ તે મારે જોવું છે. બીજા લોકો ખરેખર સહાયભૂત થાય છે, એ તમને બતાવીને હું આમ કરવા માંગુ છુ.
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી તમે જ્ઞાત છો. તમે જાણો છો કે દેવ સાથે ખ્રિસ્ત સમૃદ્ધ હતો; પરંતુ તમારા માટે તે દીન બન્યો. તેના દરિદ્રી થવાથી તમે સમૃદ્ધ બનો તેથી ખ્રિસ્તે આમ કર્યુ.
હું ધારું છું કે તમારે આમ કરવું જોઈએ અને તે તમારા સારા માટે છે. ગત વર્ષે તમે સૌથી પહેલા અર્પણ કરવાની ઈચ્છા દર્શાવેલી. અને તમે જ સૌ પ્રથમ દાન આપ્યું.
તેથી જે કાર્યનો તમે પ્રારંભ કર્યો છે, તેને પૂર્ણ કરો. જેથી તમારા “કાર્યની ઈચ્છા” અને તમારું “કાર્ય” સમતુલીત થશે. તમારી પાસે જે કઈ છે તેમાંથી આપો.
જો તમારી આપવાની ઈચ્છા હશે, તો તમારા દાનનો સ્વીકાર થશે. તમારી ભેટનું મૂલ્યાંકન તમારી પાસે જે છે તેના ઉપરથી થશે અને નહિ કે તમારી પાસે જે નથી.
જ્યારે અન્ય લોકોને રાહત પ્રાપ્ત હોય ત્યારે તમને મુશ્કેલી પડે તેવું અમે ઈચ્છતા નથી. ત્યાં સમાનતા હોવી જોઈએ.
અત્યારે તમારી પાસે ઘણું છે. તમારી પાસે જે છે તે લોકોને જે વસ્તુની જરૂર છે તેઓને તે ઘણું મદદરૂપ થઈ શકે તેમ છે. ત્યાર બાદ, જ્યારે તેઓની પાસે પુષ્કળ હશે ત્યારે તેઓ તમારે જોઈતી વસ્તુ પ્રાપ્ત કરવામાં તમને મદદરૂપ થઈ શકે. અને ત્યાર પછી સમાનતા આવશે.
જેમ પવિત્રશાસ્ત્રોમાં લખ્યું છે, “જે વ્યક્તિ એ ઘણું ભેગું કર્યુ છે તેની પાસે ઘણુ વધારે ન હતું, અને જે વ્યક્તિએ ધણું ઓછું ભેગું કર્યુ હતું તેની પાસે ખૂબ ઓછુ ન હતું.” નિર્ગમન 16:18
દેવની સ્તુતિ થાઓ કે તેણે તિતસને એટલો પ્રેમ આપ્યો જેટલો મને તમારા માટે છે.
અમે તિતસને જે વસ્તુ કરવાની કહી તેનો સ્વીકાર કર્યો. તે તમારી પાસે આવવા ઘણું જ ઈચ્છતો હતો. આ તેનો પોતાનો વિચાર હતો.
અમે તિતસની સાથે તે ભાઈને મોકલીએ છીએ જે બધી જ મંડળીઓ સાથે પ્રસંશાને પાત્ર બન્યો છે. આ ભાઈની તેની સુવાર્તાની સેવા માટે તેનું અભિવાદન થયું છે.
જ્યારે અમે આ ભેટ લઈ જતા હતા, ત્યારે પણ અમારી સાથે આવવા, મંડળીઓ દ્વારા આ ભાઈની પસંદગી થઈ હતી. અમે આ સેવા કરીએ છીએ. પ્રભુનો મહિમા વધારવા, અને એ દર્શાવવા કે અમે ખરેખર મદદરૂપ થવા માગીએ છીએ.
અમે ઘણા જ સજાગ છીએ કે જેથી કોઈ પણ વ્યક્તિ અમે જે રીતે આટલી મોટી ભેટની સાથે કામ કરીએ છીએ તેની ટીકા ન કરે.
અમે આ વસ્તુઓ એ રીતે કરવા ધારીએ છીએ. જે પ્રભુની આંખો સમક્ષ ન્યાયી છે. લોકો જેને ન્યાયી ગણે છે તેવું કરવાનો અમારો ઈરાદો છે.
અમે તેઓની સાથે અમારા ભાઈને પણ મોકલીએ છીએ, જે હમેશા મદદરૂપ થવાને તૈયાર હોય છે. ઘણી રીતે તેણે આ બાબતમાં અમને સાબિતી આપી છે. અને હવે જ્યારે તેને તમારામાં ઘણો વિશ્વાસ છે ત્યારે તો તે વધુ મદદરૂપ થવા ઈચ્છે છે.
હવે તિતસ વિષે-તે મારો સાથીદાર છે. તમને મદદરૂપ થવા તે મારી સાથે કામ કરે છે. અને બીજા ભાઈઓ માટે તેઓ મંડળીઓ દ્વારા મોકલવામાં આવ્યા છે. અને તેઓ દેવને મહિમા આપે છે.
તેથી આ માણસોને દર્શાવો કે તમારી પાસે પ્રેમ છે. તેઓને બતાવો કે અમે કેમ તમારા માટે ગર્વ અનુભવીએ છીએ. પછી બધી જ મંડળીઓ આ જોશે.

9

હવે દેવના લોકોની સેવા કરવા વિષે મારે તમને લખવાની જરૂર નથી.
મને ખબર છે કે તમે મદદરૂપ થવા ઈચ્છો છો. મેં આ વિષે મકદોનિયામાં લોકો સાથે ઘણી બડાઈ મારી છે. મેં તેમને કહ્યું હતું કે તમે અખાયાના લોકો ગયા વર્ષથી અનુદાન કરવા તૈયાર છો. અને તમારી આપવાની અભિલાષાએ અહીંના મોટા ભાગના લોકોને પણ આપવા માટે પ્રેરણાં આપી છે.
પરંતુ હું ભાઈઓને તમારી પાસે મોકલું છું. આ બાબતમાં અમારા તમારા વિષેના વખાણ નકામા જાય, તેમ હું ઈચ્છતો નથી. મેં જે રીતે કહ્યું તે રીતે તમે તૈયાર હશો તેવી મારી ઈચ્છા છે.
જો મકદોનિયાના લોકોમાંથી કેટલીક વ્યક્તિઓ મારી સાથે આવે અને જુએ કે તમે તૈયાર નથી, તો અમારે શરમાવા જેવું થશે. અમને શરમ આવશે કે અમે તમારામાં આટલો બધો ભરોસો રાખ્યો.
તેથી મેં વિચાર્યુ કે અમે આવીએ તે પહેલા આ ભાઈઓને જવાનું હું કહું. તમે જે દાન આપવાનું વચન આપ્યું છે તે તૈયાર રાખવાનું તેઓ પૂરું કરશે. તેથી જ્યારે અમે આવીએ ત્યારે ઉધરાણું તૈયાર હશે, અને તે એ અનુદાન હશે જે તમે આપવા ઈચ્છતા હતા; નહિ કે જે દાન આપવાનું તમે ધિક્કારતા હતા.
આટલું યાદ રાખજો-જે વ્યક્તિ અલ્પ વાવે છે તે અલ્પ લણે છે. પરંતુ જે વ્યક્તિ અધિક વાવે છે તે અધિક લણે છે.
દરેક વ્યક્તિએ તેના હૃદયમાં નક્કી કર્યુ હોય તેટલું આપવું જોઈએ. જો આપવાથી વ્યક્તિ વ્યથિત થતી હોય તો તેણે ન આપવું જોઈએ. અને વ્યક્તિએ તો પણ ન આપવું જોઈએ જો તેને એમ લાગે કે તેને આપવા માટે ફરજ પાડવામાં આવી છે. જે સહર્ષ આપે છે તે વ્યક્તિને દેવ ચાહે છે.
અને દેવ તમને જરૂર છે તે કરતાં પણ વધારે આશીર્વાદ આપી શકે છે. ત્યારે બધી જ વસ્તુ તમારી પાસે પુષ્કળ પ્રમાણમાં હશે. દરેક સારાં કામ માટે આપવાને તમારી પાસે પૂરતું હશે.
દેવ તે એક છે જે વ્યક્તિને વાવણી માટે બીજ આપે છે. અને તે આહાર માટે રોટલી આપે છે. અને દેવ તમને આત્મિક બીજ આપશે અને તે બીજને અંકૂરીત કરશે. તમારી સદભાવનાની તે ઉત્તમ કાપણી કરશે.
દેવ તમને દરેક રીતે સમૃદ્ધ બનાવશે કે જેથી મુક્ત રીતે તમે હંમેશા આપી શકો. અને અમારા થકી અનુદાન લોકોને દેવ પ્રત્યે આભારી બનાવશે.
આ પવિત્ર સેવા કે જે તમે કરો છો તે માત્ર દેવના લોકોની જરૂરિયાતમાં મદદ કરે છે. એમ નહિ પરંતુ દેવની સ્તુતિરૂપી પુષ્કળ ફળ પણ ઉત્પન્ન કરે છે.
આ સેવા જે તમે કરો છો તે તમારા વિશ્વાસની સાબિતી છે. આ માટે લોકો દેવની સ્તુતિ કરે છે કારણ કે તમે ખ્રિસ્તની સુવાર્તાને અનુસર્યા; એ સુવાર્તા કે જેમાં તમને વિશ્વાસ છે. લોકો દેવની સ્તુતિ કરશે કારણ કે તમે મુક્ત રીતે તેમની સાથે અને બધા લોકોની સાથે ભાગીદારી કરી.
અને જ્યારે તે લોકો પ્રાર્થના કરશે. ત્યારે તેવી અભિલાષા રાખશે કે તેઓ તમારી સાથે હોય. દેવની ઘણી કૃપા જે તમને પ્રાપ્ત થઈ છે તે કારણે તેઓ આવો અનુભવ કરશે.
જેનું વર્ણન થઈ શકે તેમ નથી તેના દાન માટે દેવની સ્તુતિ થાઓ.

10

હું પાઉલ છું અને હું તમને વિનવું છું. હું ખ્રિસ્તની નમ્રતા અને મમતાથી તમને વિનવું છું. કેટલાએક લોકો કહે છે કે જ્યારે હું તમારી સાથે હોઉં છું. ત્યારે દીન હોઉં છું, અને તમારાથી દૂર હોઉં છું. ત્યારે હિંમતવાન હોઉં છું.
કેટલાએક લોકો વિચારે છે કે અમે દુન્યવી પધ્ધતિથી જીવીએ છીએ. જ્યારે હું આવું ત્યારે આવા લોકો સાથે ઘણા નીડર થવાની મારી યોજના છે. હું તમને વિનવું છું કે હું જ્યારે આવું ત્યારે તેવી જ નીડરતાનો ઉપયોગ તમારી સાથે કરવાની મારે જરૂર પડશે નહિ.
અમે આ દુનિયામાં જીવીએ છીએ. પરંતુ જે રીતે દુનિયા ઝઘડે છે તે રીતે અમે ઝઘડતા નથી.
દુનિયા વાપરે છે તેના કરતાં જુદા પ્રકારના શસ્ત્રોથી અમે લડીએ છીએ. અમારા શસ્ત્રમાં દેવનું સાર્મથ્ય છે. દુશ્મનના મજબૂત સ્થાનનો આ શસ્ત્ર નાશ કરી શકે છે. અમે લોકોના વાદવિવાદનો નાશ કરીએ છીએ.
અને દરેક વસ્તુ જે દેવના જ્ઞાનની વિરૂદ્ધ ઉદભવે છે તેનો અમે નાશ કરીએ છીએ. અમે દરેક વિચારને કબજે કરી, તેને ત્યજી ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ.
જે આજ્ઞાંકિત નથી તેવી દરેક વ્યક્તિને શિક્ષા કરવા અમે તૈયાર છીએ. પણ પ્રથમ તમે સંપૂર્ણ આજ્ઞાંકિત બનો.
તમારી સામેની હકીકતોને તમારે જોવી જોઈએ. જો વ્યક્તિ એમ વિચારતી હોય કે તે ખ્રિસ્તનો છે. તો તેણે એ પણ યાદ રાખવું જોઈએ કે તેની જેમ અમે પણ ખ્રિસ્તમાં છીએ.
એ સાચું છે કે અમે મુક્ત રીતે પ્રભુએ અમને આપેલ સાર્મથ્ય વિષે બડાઈ મારીએ છીએ. પરંતુ તેણે આ સાર્મથ્ય તમને સુદઢ બનાવવા અમને આપ્યુ છે, નહિ કે તમને ક્ષતિ પહોંચાડવા. તેથી તે બડાઈ માટે હું શરમ નથી અનુભવતો.
હું એમ નથી ઈચ્છતો કે તમે એમ ધારો કે મારા પત્રો વડે હું તમને ડરાવવા માગું છું.
કેટલાએક લોકો કહે છે કે, “પાઉલના પત્રો શક્તિશાળી અને મહત્વના છે. પરંતુ જ્યારે તે અમારી પાસે હોય છે, ત્યારે તે નિર્બળ હોય છે. અને તેની વાણીમાં કશુંજ નથી.”
તે લોકોએ આ જાણવું જોઈએ: અમે અત્યારે તમારી સાથે નથી; તેથી પત્રો દ્વારા આ વસ્તુ અમે કહીએ છીએ. પરંતુ જ્યારે અમે ત્યાં તમારી સાથે હોઈશું ત્યારે અમે એજ પ્રભાવ દર્શાવીશું જે અમે પત્રમાં દર્શાવ્યો છે.
જે લોકો એમ માને છે કે પોતે ખૂબ જ મહત્વના છે, તેવા લોકોની ટોળીમાં દાખલ થવાની અમે હિંમત નથી કરી શકતા. અમે તેઓની સાથે અમારી સરખામણી પણ નથી કરતા. તેઓ પોતેજ પોતાનો માપદંડ બને છે, અને તેઓ જે છે તેના થકી પોતે જ પોતાનું મૂલ્યાંકન કરે છે. આ બતાવે છે કે તેઓ કશું જ જાણતા નથી.
પરંતુ અમને જે કામ કરવાનું સોંપ્યું છે, તેના પરિધની બહાર જઈને અમે બડાઈ નહિ મારીએ. અમે અમારી બડાઈ, દેવે અમને સોંપેલા કાર્ય પૂરતી મર્યાદીત રાખીશું. પરંતુ આ કાર્યમાં તમારી સાથેના અમારા કાર્યનો સમાવેશ થાય છે.
અમે વધારે પડતી બડાઈ નથી મારતા. કારણ કે અમે તમારા સુધી પહોંચ્યા ન હોઈએ. એમ અમે પોતાને હદ બહાર લંબાવતા નથી. પરંતુ અમે તમારી પાસે આવ્યા છીએ. અમે તમારી પાસે ખ્રિસ્તની સુવાર્તા લઈને આવ્યા હતા.
જે કાર્ય અમારું છે તે પૂરતી અમારી બડાઈને અમે મર્યાદીત રાખી છે. જે કામ બીજા લોકોએ કર્યુ છે, તે વિષે અમે બડાઈ નથી મારતા. અમને આશા છે કે તમારા વિશ્વાસમાં વૃદ્ધિ થશે. અમને આશા છે કે અમારા કાર્યના ક્ષેત્રને વધુ ને વધુ વિશાળ બનાવવામાં તમે મદદરૂપ નિવડશો.
તમારા શહેર ઉપરાંતના વિસ્તારોમાં પણ સુવાર્તા કહેવાની અમારી ઈચ્છા છે. બીજી વ્યક્તિના વિસ્તારમાં થઈ ચૂકેલા કાર્ય વિષે અમે બડાઈ મારવા નથી ઈચ્છતા.
પરંતુ, “જે વ્યક્તિ બડાઈ મારે છે તેણે પ્રભુમાં બડાઈ મારવી જોઈએ.”
કેમ કે તે એ વ્યક્તિ નથી કે જે કહે છે કે તે સારો છે. જેને પ્રભુ સારો કહે છે અને સ્વીકાર છે તે એ વ્યક્તિ છે.

11

હું આશા રાખું છું કે થોડી મૂર્ખતા દર્શાવું તો પણ તમે મારી સાથે ધીરજ રાખશો. પરંતુ તમે મારી સાથે ક્યારનીચે ધીરજ રાખી છે.
મને તમારી ઈર્ષા આવે છે અને આ તે ઈર્ષા છે જે દેવ તરફથી આવી છે. મેં તમને ખ્રિસ્તને સમર્પિત કરવાનું વચન આપ્યું હતું. તમારો પતિ માત્ર ખ્રિસ્ત જ હોવો જોઈએ. હું તમને ખ્રિસ્તને સમર્પિત કરવા માંગુ છું, તેની પવિત્ર કુમારિકા તરીકે,
પરંતુ મને ભય છે કે તમારું મન તમને તમારા ખ્રિસ્ત પ્રત્યેના સાચા અને શુદ્ધ અનુસરણથી દૂર ઘસડી જશે જે રીતે સર્પે હવાની સાથે દુષ્ટ રીતે કપટ કર્યુ હતું અને છેતરી હતી.
તમે જે કોઈ તમારી પાસે આવે અમે આપ્યો છે તેના કરતા જુદો ઉપદેશ તમને ખ્રિસ્ત વિષે આપે તેની સાથે તમે ઘણા ધીરજવાન છો. એ આત્મા અને સુવાર્તાને સ્વીકારવા તમે ઘણા તત્પર છો પણ એ આત્મા અને સુવાર્તા અમે તમને આપ્યા છે તેનાથી ઘણા જુદા છે. તેથી તમારે મારી સાથે ધીરજ રાખવી જોઈએ.
હું નથી માનતો કે તે “મહાન પ્રેરિતો” મારાથી વધુ સારા છે.
તે સાચું છે કે હું એક કેળવાયેલો વક્તા નથી. પરંતુ મારી પાસે જ્ઞાન છે. અમે તમને દરેક રીતે આ સ્પષ્ટ બતાવ્યું છે.
કોઈ પણ પ્રકારના વળતર વગર મેં તમને દેવની સુવાર્તા પ્રગટ કરી. તમને મહત્વ આપવા હું નમ્ર બન્યો છું. તમે માનો છો કે તે ખોટું હતું?
મેં બીજી મંડળીઓ પાસેથી વળતર સ્વીકાર્યુ છે. મે તેમના નાણાં લીધા કે જેથી હું તમારી સેવા કરી શકું.
જ્યારે હું તમારી સાથે હતો ત્યારે મારે જે કોઈ વસ્તુ જોઈતી હતી, તો મેં તેનો તમારા પર કોઈ બોજો નાખ્યો ન હતો. મકદોનિયાથી આવેલા બંધુઓએ મારે જે જોઈતું હતું, તે બધુંજ મને આપ્યું. તમારા પર બોજારૂપ મેં મારી જાતને બનવા દીઘી નથી. અને હું કદી તમને બોજારૂપ બનીશ નહિ.
અખાયાની કોઈ પણ વ્યક્તિ આ વિષે બડાઈ મારતા મને રોકી શકશે નહિ. મારામાંના ખ્રિસ્તના સત્ય વડે આમ કહું છું.
અને હું શા માટે તમને બોજારુંપ ન બન્યો? તમને પ્રેમ નથી કરતો એટલા માટે એમ તમે માનો છો? ના. દેવ જાણે છે કે હું તમને પ્રેમ કરું છું.
અને અત્યારે હું જે કરું છું તે કરવાનું હું ચાલું રાખીશ કારણ કે પેલા લોકોને બડાઈ મારવાનું કારણ મારે નથી આપવું. તેઓને તેમ કહેવું ગમશે કે જે કાર્ય માટે તેઓ બડાઈ મારે છે તે કાર્ય અમારા કાર્ય જેવું જ છે.
આ લોકો સાચા પ્રેરિતો નથી. તેઓ અસત્ય બોલનાર કાર્યકરો છે. અને તેઓ તેમના પોતામાં પરિવર્તન લાવે છે, કે જેથી લોકો માને કે તેઓ ખ્રિસ્તના પ્રેરિતો છે.
આનાથી અમને આશ્ચર્ય નથી થતું. શા માટે? શેતાન પણ વેશ બદલે છે, જેથી લોકો વિચારે કે તે પ્રકાશનો દૂત છે.
જ્યારે શેતાનના સેવકો સાચા સેવકો દેખાવાનો પ્રયત્ન કરે છે તેથી અમને આશ્ચર્ય થતું નથી, પરંતુ અંતમાં તેઓના કરેલા કામ પ્રમાણે તેઓને શિક્ષા મળે છે.
હું તમને ફરીથી કહું છું: કોઈ વ્યક્તિએ એમ માનવું ન જોઈએ કે હું મૂર્ખ છું. પરંતુ જો તમે મને મૂર્ખ ધારતા હો તો, તમે જે રીતે મૂર્ખને આપનાવો છો એ રીતે તમે મને અપનાવો. જેથી હું પણ થોડી બડાઈ મારી શકું.
હું બડાઈ મારું છું, કારણ કે મને મારા વિષે ખાતરી છે. પરંતુ પ્રભુ જે રીતે વાત કરે થે રીતે હું વાત કરતો નથી. હું મૂર્ખની જેમ બડાશ મારું છું.
દુનિયામાં ઘણા લોકો તેમના જીવન વિષે બડાશ મારે છે. જેથી હું પણ બડાશ મારીશ.
તમે શાણા છો, તેથી હર્ષસહિત મૂર્ખાઓ સાથે તમે ધીરજ ઘરશો.
હું જાણું છું કે, તમે ધીરજવાન છો, કારણ કે જે માણસ તમને અમુક વસ્તુ કરવાની ફરજ પાડે છે અને તમારો લાભ લે છે. તેની સાથે પણ તમે ધીરજ ધરો છો. જે વ્યક્તિ તમને છેતરે, અથવા જે એમ માને કે તે તમારા કરતા સારો છે અથવા તમને મોંઢાં પર મારે તેની સાથે પણ તમે ધીરજવાન છો!
મારે માટે આમ કહેવું શરમજનક છે, પરંતુ આવી વસ્તુ તમારી સાથે કરવા માટે અમે ઘણા જ “નિર્બળ” છીએ. પરંતુ જો કોઈ વ્યક્તિ બડાઈ મારવામાં બહાદુર હોઈ શકે, તો હું પણ બહાદુર બનીશ અને બડાશ મારીશ. (હું મૂર્ખની જેમ બોલું છું.)
શું પેલા લોકો યહૂદિ છે? હું પણ છું. શું તેઓ ઈસ્રાએલી છે? હું પણ છું. શું તેઓ ઈબ્રાહિમના કુટુંબના છે? હું પણ છું.
શું તે લોકો ખ્રિસ્તની સેવા કરે છે? હું તેની વધારે સેવા કરું છું. (હું આમ બોલવામાં ઘેલો છું.) મેં પેલા લોકો કરતાં વધારે સખત પરિશ્રમ કર્યો છે. ધણીવાર હું જેલમાં પૂરાયો છું. હું ઘણો માર ખાઈને ઘાયલ થયો છું. હું ધણીવાર લગભગ મૃતઃપ્રાય બન્યો છું.
પાંચવાર યહૂદિ લોકોએ 39 કોરડા મારવાની સજા મને કરી છે.
ત્રણ વખત મેં લોખંડના સળિયાથી માર ખાધો. એકવાર પથ્થરોથી મને મારવામાં આવ્યો હતો. ત્રણ વખત હું એવા વહાણોમાં હતો જે તૂટી પડ્યા, અને એક વખત આખી રાત અને પછીનો દિવસ મેં દરિયામાં ગાળ્યો હતો.
મેં ઘણીવાર મુસાફરી કરી છે. અને હું નદીઓ, લૂંટારાઓ અને મારા પોતાના લોકો દ્વારા ભયમાં મૂકાયો છું. હું એવા લોકો દ્વારા પણ ભયમાં મૂકાયો છું. જેઓ બિનયહૂદિ છે. હૂં શહેરોમાં, જ્યાં માનવ વસતો નથી ત્યાં, કે દરિયામાં પણ ભયમાં મૂકાયો છું. અને જે લોકો એમ કહે કે તેઓ મારા ભાઈઓ છે પણ ખરેખર ન હોય તેમના થકી પણ ભયમાં મૂકાયો છું.
મેં સખત અને થકવી નાખનાર કામો કર્યા છે, અને ધણીવાર હું સૂતો પણ નથી. હું ધણીવાર ભુખ્યો અને તરસ્યો રહ્યો છું. ધણીવાર હું ઠંડીથી પીડાયો છું અને વસ્ત્રહીન રહ્યો છું.
અને બીજી ઘણી સમસ્યાઓ છે. તેમાંની એક તે મારે બધી મંડળીઓની સંભાળ રાખવાની તે છે. દરરોજ હું તેમના વિષે ચિંતીત રહું છું.
જ્યારે અન્ય વ્યક્તિ શીથિલ બને છે ત્યારે હું પણ શીથિલ બનું છું. જ્યારે અન્ય વ્યક્તિ પાપ તરફ દોરાય છે ત્યારે અંદરથી હું બળુ છું.
જો મારે બડાઈ મારવી જ હોય તો, હું એ વસ્તુની બડાઈ મારીશ જે બતાવે છે કે હું નિર્બળ છું.
દેવ જાણે છે કે હું ખોટું નથી બોલતો. તે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ અને પિતા છે, અને સદાકાળ તેને સ્તુત્ય છે.
જ્યારે હું દમસ્કમાં હતો, ત્યારે અરિતાસ રાજાનો હાકેમ મને કેદ કરવા માંગતો હતો. તેથી શહેરની આજુબાજુ તેણે રક્ષકો ગોઠવ્યા.
પરંતુ કેટલાએક મિત્રોએ મને ટોપલામાં મૂક્યો અને પછી તે ટોપલો તેમણે દિવાલના બાકામાંથી મને નીચે ઉતાર્યો. અને તે રીતે હું હાકેમથી બચી ગયો.

12

મારે બડાશ મારવાનું ચાલું રાખવું જોઈએ. તે ખાસ મદદરૂપ નહિ થાય, પરંતુ હવે પ્રભુ તરફથી ઉદભવતા દર્શન અને પ્રકટીકરણ વિષે હું વાત કરીશ.
હું ખ્રિસ્તમય બનેલી એવી વ્યક્તિને જાણું છું, જેને ત્રીજા આકાશમાં લઈ જવામાં આવ્યો હતો. આ 14 વર્ષ પહેલા બન્યું હતું. મને ખબર નથી કે તે માણસ તેના શરીરમાં હતો કે શરીરની બહાર હતો. પરંતુ દેવ જાણે છે.
હું આવી વ્યક્તિ વિષે બડાશ મારીશ. પરંતુ હું ફક્ત મારા પોતાના વિષે બડાશો મારીશ નહિ. હું માત્ર મારી નબળાઈઓ વિષે બડાશ મારીશ.
પરંતુ જો મારે મારી જાત વિષે બડાઈ મારવી હોત તો, હું મૂર્ખ તો નહિ જ બનું. હું મૂર્ખ નહિ બનું કારણ કે હું સત્ય કહેતો હોઈશ. પરંતુ હું મારી જાત વિષે બડાઈ મારીશ નહિ. શા માટે? કારણ કે લોકો મને જે કરતા જુએ છે અને જે કહેતા સાંભળે છે, તેથી વિશેષ મારા માટે લોકો ધારે તેવી મારી ઈચ્છા નથી.
પરંતુ જે અદભુત વાતો મને બતાવવામાં આવી છે. તેના માટે વધારે પડતો ગર્વ અનુભવવો ના જોઈએ. તેથી કષ્ટદાયક સમસ્યા મને આપવામાં આવી હતી. તે સમસ્યા તે શેતાન તરફથી આવેલો દૂત છે. તેને મને મારવા માટે અને વધુ પડતો ગર્વશાળી બનતો અટકાવવા માટે મોકલવામાં આવ્યો હતો.
મેં આ સમસ્યા મારાથી દૂર કરવા માટે પ્રભુને ત્રણ વાર પ્રાર્થના કરી.
પરંતુ પ્રભુએ મને કહ્યું કે, “મારી કૃપા તારે માટે પૂરતી છે. જ્યારે તું નિર્બળ બને છે, ત્યારે મારું સાર્મથ્ય તારી નિર્બળતામાં સંપૂર્ણ થાય છે.” તેથી મારી નબળાઈઓ વિષે બડાશ મારતા હું ઘણો પ્રસન્ન છું. પછી ખ્રિસ્તની શક્તિ મારામાં જીવશે.
તેથી જ્યારે મારામાં નબળાઈ આવે છે, ત્યારે હું પ્રસન્ન થાઉં છું. મારા વિષે લોકો જ્યારે ખરાબ બોલે છે, ત્યારે હું રાજી થાઉં છું. જ્યારે મને મુશ્કેલી પડે છે ત્યારે હું રાજી થાઉં છું. અને જ્યારે મારી આગળ સમસ્યાઓ હોય છે ત્યારે હું રાજી થાઉં છું. આ બધું જ ખ્રિસ્ત માટે છે. અને હું આ બધાથી આનંદીત છું, કારણ કે જ્યારે હું નિર્બળ હોઉં છું, ત્યારે હું મજબૂત હોઉં છું.
હું મૂર્ખની જેમ વાત કરી રહ્યો હતો. પરંતુ તમે મને એમ કરવા પ્રેર્યો. તમારે લોકોએ મારા વિષે સારું બોલવું જોઈએ. મારું કોઈ મૂલ્ય નથી, પરંતુ તે “મહાન પ્રેરિતો” નું મૂલ્ય મારા કરતા વધારે નથી!
હું જ્યારે તમારી સાથે હતો ત્યારે મે એવા કામો કર્યા જે પૂરવાર કરે કે હું પ્રેરિત છું - મેં ચિહ્નો બતાવ્યા, અદભૂત કાર્યો અને પરાક્રમો કર્યા. મેં ઘણી ધીરજથી આ કામો કર્યા.
તેથી બીજી મંડળીઓને જે પ્રાપ્ત થયું તે બધું જ તમને પ્રાપ્ત થયું. માત્ર એક બાબતમાં તફાવત હતો. હું તમને બોજારૂપ નહોતો. આ માટે મને માફ કરશો!
હવે ત્રીજી વખત તમારી મુલાકાત લેવા માટે હું તૈયાર છું. અને હું તમને બોજારૂપ બનીશ નહિ. તમારું જે કાંઈ છે, તેમાંથી મારે કશું જ જોઈતું નથી. હું તમને ઈચ્છું છું. બાળકોએ માતા પિતાને આપવા માટે કોઈ બચાવવાની જરૂર નથી, માતા પિતાએ તેમના બાળકોને આપવા બચાવવું જોઈએ.
મારી પાસે જે કાંઈ છે તે તમને આપતા મને આનંદ થાય છે. હું મારી જાત સુદ્ધા તમને આપીશ. જો હું તમને વધારે પ્રેમ કરું તો શું તમે મને ઓછો પ્રેમ કરશો?
એ સ્પષ્ટ છે કે હું તમને બોજારુંપ નહોતો. હું ચાલાક હતો અને તમને પકડવા જૂઠનો ઉપયોગ કરતો હતો તેવું તમે વિચારો છો.
તમારા પ્રતિ મોકલેલા કોઈ પણ માણસોનો ઉપયોગ કરીને શું તમને છેતર્યા છે? ના! તમે જાણો છો મેં એમ નથી કર્યુ.
મેં તિતસને તમારી પાસે જવા કહ્યું અને અમારા બંધુને મેં તેની સાથે મોકલ્યો. તિતસે તમને નથી છેતર્યા, ખરું ને? ના! તમે જાણો છો કે મને અને તિતસને એક જ આત્માએ દોર્યા છે. અને અમે એ જ માર્ગને અનુસર્યા છે.
તમે શું એમ માનો છો કે આ બધા સમય દરમ્યાન અમે અમારો બચાવ કરીએ છીએ? ના. અમે ખ્રિસ્ત થકી આ બધી વાતો કહીએ છીએ. અને દેવની સમક્ષ અમે આ બધી વસ્તુ કહીએ છીએ. તમે મારા પરમ મિત્રો છો. અને અમે જે કઈ કરીએ છીએ તે તમને વધુ સાર્મથ્યવાન બનાવવા કરીએ છીએ.
હું આમ કરું છું કારણ કે મને ભય છે કે હું તમને જેવા થવા ઈચ્છું છું તેવા તમે હશો નહિ. જ્યારે હું આવું છું અને તમે મને જેવો થવા ઈચ્છો છો તેવો હું હોઈશ નહિ. મને ભય છે કે તમારા સમૂહમાં વિવાદ, ઈર્ષા, ક્રોધ, સ્વાર્થ, ઝઘડા, દુષ્ટવાતો, ગપસપ, ઉધ્ધતાઈ અને મુંઝવણો હશે.
મને ભય છે કે જ્યારે હું ફરીથી તમારી પાસે આવીશ ત્યારે મારો દેવ મને તમારી આગળ નમ્ર બનાવશે. તમારામાંના ઘણા દ્વારા મને વિષાદ થશે. જેઓએ અગાઉ પાપો કર્યા છે તે માટે હું દિલગીર થઈશ. કારણ કે તેઓએ પસ્તાવો કર્યો નથી. તથા તેઓએ તેઓના પાપી જીવન માટે પશ્ચાતાપ કર્યો નથી. તેઓના વ્યભિચાર અને શરમજનક કૃત્યો માટે પણ તેઓએ પશ્ચાતાપ નથી કર્યો.

13

હું ફરીથી તમારી પાસે આવીશ આ ત્રીજી વખત હશે. અને યાદ રાખજો, “દરેક ફરિયાદ માટે બે કે ત્રણ વ્યક્તિ હોવી જોઈએ જે કહે કે તેઓ જાણે છે કે ફરિયાદ સાચી છે.”
હું જ્યારે બીજીવાર તમારી સાથે હતો, ત્યારે જે લોકોએ પાપકર્મો કરેલા તેમને ચેતવણી આપી હતી. અત્યારે હું તમારાથી દૂર છું, અને બીજા બધા લોકો જેમણે પાપ કર્યા છે તેમને ચેતવણી આપું છું: જ્યારે ફરીથી હું તમારી પાસે આવીશ, ત્યારે તમારા પાપીકર્મો માટે હું તમને શિક્ષા કરીશ.
ખ્રિસ્ત મારા થકી બોલે છે તેની સાબિતી જોઈએ છે. મારી સાબિતી એ છે કે તમને શિક્ષા કરવામાં ખ્રિસ્ત નિર્બળ નથી. પરંતુ તમારી વચ્ચે ખ્રિસ્ત સર્વશક્તિમાન છે.
તે સાચું છે કે જ્યારે ખ્રિસ્તને વધસ્તંભ પર મારી નાંખ્યો ત્યારે તે નિર્બળ હતો. પરંતુ અત્યારે તે દેવના સાર્મથ્ય વડે જીવિત છે. અને તે સાચું છે કે ખ્રિસ્તમય આપણે નિર્બળ છીએ. પરંતુ તમારા માટે, દેવના સાર્મથ્ય વડે અમે ખ્રિસ્તમાં જીવિત હોઈશું.
તમે પોતાને ધ્યાનથી જુઓ. તમે વિશ્વાસમાં છો કે નહિ તેની પરીક્ષા કરો. તમે જાણો છો કે ઈસુ ખ્રિસ્ત તમારામાં જીવે છે. પરંતુ જો તમે પરીક્ષામાં નિષ્કળ જશો, તો ખ્રિસ્ત તમારામાં સમાવિષ્ટ નથી.
પરંતુ મને આશા છે કે તમે જોશો કે અમે પરીક્ષામાં નિષ્કળ નથી ગયા.
અમે દેવને પ્રાર્થના કરીએ છીએ કે તમે કોઈ દુષ્કર્મો ન કરો. તે મહત્વનું નથી કે અમારી પરીક્ષણની સફળતા લોકો જુએ. પરંતુ એ મહત્વનું છે કે તમે જે યોગ્ય છે તે જ કરો, પછી ભલેને લોકો વિચારે કે અમે પરીક્ષણ માં નિષ્ફળ ગયા છીએ.
અમે સત્યની વિરુંધ્ધ કશું જ કરી શકીએ નહિ. અમે માત્ર એ જ કરી શકીએ જે સત્ય માટે છે.
જો તમે શક્તિશાળી છો તો, નિર્બળ થવામાં અમને આનંદ છે. અને અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે વધુ ને વધુ પ્રબળ બનો.
હું જ્યારે તમારી સાથે નથી ત્યારે આ વાતો લખું છું. હું લખું છું જેથી જ્યારે હું આવું ત્યારે તમને શિક્ષા કરવા માટે મારા સાર્મથ્યનો ઉપયોગ ના કરવો પડે. પ્રભુએ મને તે સાર્મથ્ય તમને પ્રબળ કરવા આપ્યું છે નહિ કે તમારો ધ્વંશ કરવા.
હવે, ભાઈઓ અને બહેનો, હું વિદાય લઈશ. સંપૂર્ણ થવાનો પ્રયત્ન કરજો. મેં તમને જે કરવાનું કહ્યું છે તે કરજો. એકબીજા સાથે માનસિક રીતે સહમત થાઓ અને શાંતિમાં રહો. પછી પ્રેમ અને શાંતિનો દેવ તમારી સાથે રહેશે.
જ્યારે તમે એકબીજાને સલામ કહો ત્યારે એકબીજાને પવિત્ર ચુંબન આપો.
દેવના બધા જ પવિત્ર લોકો તમને સલામ કહે છે.
પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવની પ્રીતિ, અને પવિત્ર આત્માની સંગત તમો સર્વની સાથે રહો.

Lizenz
CC-0
Link zur Lizenz

Zitationsvorschlag für diese Edition
TextGrid Repository (2025). Paul the Apostle. 2 Corinthians (Gujarati). Multilingual Parallel Bible Corpus. https://hdl.handle.net/21.11113/0000-0016-9ACB-6